મહારાષ્ટ્રમાં મંદિરો ખોલવાના મુદ્દે રાજ્યના રાજ્યપાલ અને મુખ્યપ્રધાન વચ્ચે વિવાદ થયો હતો. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્રમાં મંદિરો ખોલવા અંગે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે ઉદ્ધવ ઠાકરે પર હિન્દુત્વને ભૂલીને સેક્યુલર બની ગયાનો આક્ષેપ કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને વળતો જવાબ આપતાં કહ્યું હતું કે, હિન્દુત્વના મુદ્દે મને તમારા સર્ટીફિકેટની જરૂર નથી. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યમાં મંદિરો સહિત ધાર્મિક સૃથળો ખોલવા મુદ્દે ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં જે ભાષાનો ઉપયોગ કર્યો હતો તેનાથી નારાજ થઈ સત્તામાં ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યપાલ કોશ્યારીની ફરિયાદ કરી હતી.
રાજ્યપાલ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરતાં ધાર્મિક સ્થળો ફરીથી ખોલવાની જાહેરાત કરવા આગ્રહ કર્યો હતો. તેમ જ હિંદુહૃદય સમ્રાટ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના સુપુત્ર, શિવસેનાના પક્ષપ્રમુખ અને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને હિંદુત્ત્વની યાદ અપાવીને ઉદ્ધવના સેક્યુલારિઝમ પર સવાલ કર્યો હતો.
દરમિયાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં રાજ્યપાલની ભાષા સામે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે વાંધો ઉઠાવતા વડાપ્રધાનને ફરિયાદ કરી હતી કે બંધારણીય પદો પર બેઠેલા લોકોએ પોતાની ભાષાની મર્યાદાને ધ્યાનમાં રાખવી જોઈએ. સેક્યુલરીઝમ શબ્દ બંધારણની પ્રસ્તાવનાનો ભાગ છે. રાજ્યપાલ કોશ્યારીએ મુખ્યમંત્રીને જે રીતે સંબોધન કર્યું તે જોતાં તેઓ જાણે કોઈ રાજકીય પક્ષનો ભાગ હોય તેમ લાગે છે.
ભાજપે મહારાષ્ટ્રમાં મંદિરો ખોલવા માટે આંદોલન ચાલુ કર્યું હતું. રાજ્યના પક્ષના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંતદાદા પાટિલ અને આધ્યાત્મિકક સમન્વય આઘાડીના પ્રદેશાધ્યક્ષ આચાર્ય તુષાર ભોસલેએ શિર્ડીમાં સાંઈબાબા મંદિર સામે એક દિવસનું અપવાસ આંદોલન કર્યું હતું. ભાજપના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓએ રાજ્યભરમાં મંદિર ખોલવા માટે ઘરણા અને પ્રદર્શનો કર્યાં હતા.