મહારાષ્ટ્રની રાજ્ય સરકારે શનિવારે નવા મરાઠી વર્ષથી માસ્ક સહિતના કોરોના મહામારી સંબંધિત તમામ નિયંત્રણો ઉઠાવી લેવાનો નિર્ણય કર્યો છે. માસ્કના ઉપયોગની સલાહ આપવામાં આવશે, પરંતુ તે ફરજિયાત નહીં હોય,એમ રાજ્ય સરકારે ગુરુવારે (31 માર્ચ)એ જણાવ્યું હતું.
આ અંગેની જાહેરાત મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના કાર્યાલય દ્વારા પણ કરવામાં આવી હતી. કાર્યાલયના ટ્વીટર હેન્ડલ પર જણાવાયું હતું કે આપણે આ ગુડી પડવાએ નવા વર્ષને આવકારી રહ્યાં છીએ ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના તમામ નિયંત્રણો ઉઠાવી લેવામાં આવશે.
રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે આશરે બે વર્ષ પછી તમામ નિયંત્રણો દૂર કરવાનો નિર્ણય મુખ્યપ્રધાનના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. રાજ્યમાં કોરોનાના નવા દૈનિક કેસની સંખ્યા ઘટીને 100 થઈ છે અને કોઇ મોત નોંધાયું ન હતું. સોમવારે રાજ્યના 35 જિલ્લામાં 964 એક્ટિવ કેશ હતા. કોરોના મહામારીના પ્રારંભ બાદ રાજ્યમાં કુલ 78.73 લાખ કોરોના કેસ નોંધાયા છે અને 1.47 લાખ લોકોના મોત થયા છે.