મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે સામે બળવો કરીને સુરતમાં આવેલા શિવસેના અને બીજા પક્ષોના આશરે 40 ધારાસભ્યો 21 જૂને આસામના ગૌહાટી પહોંચ્યા હતા. શિવસેનાના બળવાખોર પ્રધાન એકનાથ શિંદેએ તેમની સાથે 40 ઘારાસભ્યો હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્ર વિધાનસભાનો ભંગ કરવાનો સંકેત આપ્યો હતા.
તેમણે બાળાસાહેબ ઠાકરેની શિવસેનાને નથી છોડી અને ક્યારેય છોડશે પણ નહીં તેવી ટીપ્પણી કરી હતી આખો દિવસ સુરતમાં મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયા બાદ આ તમામ ધારાસભ્યોને લઈને એકનાથ શિંદે આસામા પહોંચ્યા હતા. બીજી તરફ ભાજપના નેતાએ સુરતથી આસામ પહોંચેલા શિવસેનાના ધારાસભ્યોનું સ્વાગત પણ કર્યું હતું.
સુરતના એરપોર્ટ પરથી એકનાથ શિંદેએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે “અમે બાળાસાહેબ ઠાકરેની શિવસેનાને નથી છોડી રહ્યા અને છોડવાના પણ નથી. અમે બાળાસાહેબના હિન્દુત્વનું અનુકરણ કરી રહ્યા છીએ અને તેને આગળ લઈ જઈશું.” સુરતથી ધારાસભ્યોને લઈને આસામ પહોંચલા એકનાથ શિંદેએ કહ્યું કે, “40 ધારાસભ્યો અહીં હાજર છે અને અમે બાળાસાહેબ ઠાકેરના હિન્દુત્વ અને તેમની ભમિકાને આગળ લઈ જઈ રહ્યા છીએ.”
શિવસેનાએ મહારાષ્ટ્રમાં તેની સરકાર સામેના ધારાસભ્યોના બળવા માટે ભાજપનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાત અને આસામ એમ બંનેમાં ભાજપની રાજ્ય સરકાર છે અને બળવાખોર ધારાસભ્યો સુરક્ષિત રાખવા માટે આ રાજયોમાં લાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
શિવસેનાના ધારાસભ્યો સુરતમાં હતા ત્યારે તેમની સાથે સતત સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી હતી. ઉદ્ધવ ઠાકરેએ બેઠક કરી હતી, જેમાં શરદ પવારે સરકાર બચાવવાની કમાન સંભાળી તો બળવાખોર ધારાસભ્યો સુરત છોડીને આસામના ગુવાહાટી પહોંચ્યા છે. શિવસેનાના નેતા એકનાથ શિંદેને લાગ્યું હતું કે સુરતમાં તેમની સાથે આવેલા ધારાસભ્યો સાથે ઉદ્ધવ ઠાકરેની ટીમ સંપર્ક કરવાની કોશિશ કરી શકે છે, જેથી તેઓ તમામ ધારાસભ્યોને લઈને સુરતથી ભાજપ સાશિત આસામ પહોંચી ગયા હતા.