કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ સંબોધનમાં નરેન્દ્ર મોદી સરકાર અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન યોજનાને સક્રીયપણે આગળ વધારશે તેમ જણાવ્યા બાદ આજે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સફેદ હાથી ગણાવ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં આપેલી મુલાકાતમાં ઉદ્ધવ ઠાકરેએ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સફેદ હાથી સમાન ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્યને કેન્દ્રના ભંડોળમાં તેનો હિસ્સો મળી રહ્યો નથી કે જેથી ખેડૂતોને મદદ કરી શકાય.
આ સાથે શિવસેના વડાએ કહ્યું હતું કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી દેવા માફી યોજના આગામી મહિને લાગુ થશે. કેન્દ્રની મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પરિયોજનાનો ઉલ્લેખ કરતા ઠાકરેએ કહ્યું હતું કે આ અંગે વ્યાપક ચર્ચા થવી જોઈએ. બુલેટ ટ્રેનથી કોને ફાયદો પહોંચશે? મહારાષ્ટ્રમાં વ્યાપાર અને ઉદ્યોગને શું તેનાથી ફાયદો થશે? જો તેનો લાભ મળવાનો હોય તો મને તેનો વિશ્વાસ અપાવો અને બાદમાં લોકો સમક્ષ જાઓ અને નિર્ણય કરો કે શું કરવાનું છે. તેમણે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન ભલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના હોય પણ જ્યારે તમે ઉંઘમાંથી જાગો છો તો ખબર પડે છે કે આ કોઈ સપનું નથી. તમારે હકીકતનો સામનો કરવો પડે છે.