અરબ સાગરમાં આવેલું વાવાઝોડુ નિસર્ગ બપોરે લગભગ 1 વાગ્યે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં સમુદ્ર કાંઠે અથડાયું હતું. આ વિસ્તારમાં લગભગ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવ ફૂંકાયો હતો. જેને કાંઠેથી પસાર થતા લગભગ 3 કલાક જેટલો સમય લાગશે. આ સાથે જ મુંબઈના બાંદ્રા-વર્લી સી લિંક પર વાહનની અવરજવર અટકાવી દેવાઈ છે. તો બીજી બાજુ સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા છે. આ પહેલા તોફાન ગુજરાતના કાંઠે પણ અથડાવાના અનુમાનો લગાવાયા હતા.
ચક્રવાત નિર્સગના કારણે મુંબઈથી આવતી જતી 19 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જેમાંથી 11 મુંબઈથી જનારી અને 8 આવનારી ફ્લાઈટ છે. તો બીજી બાજુ મધ્ય રેલવેએ મુંબઈ જનારી 8 સ્પેશ્યલ ટ્રેનના સમયમાં ફેરફાર કર્યા છે.મહારાષ્ટ્રમાં NDRFની 20 ટીમો. જેમાંથી મુંબઈમાં 8, રાયગઢમાં 5, પાલઘરમાં 2, થાણેમાં 2, રત્નાગિરીમાં 2 અને સિંધુદુર્ગમાં 1 ટીમ રાહત અને બચાવનું કામ કરશે. નૌસેનાએ મુંબઈમાં 5 ફ્લડ રેસ્ક્યૂ ટીમ અને 3 મરજીવાઓની ટીમ તહેનાત કરી દીધી છે.
પાલઘર જિલ્લાને પુરી રીતે બંધ કરી દીધો છે. તો બીજી તરફ NDRFની 16 ટીમોને મોકલવામાં આવી છે. અહીંયાના કાંઠાના જિલ્લામાં 80 હજાર લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. બન્ને રાજ્યોના 11 જિલ્લામાં એલર્ટ છે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તોફાનના રસ્તે રાયગઢ અને પાલઘરમાં પરમાણુ અને રાસાયણિક સંયંત્ર પણ છે. આ અંગે ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.
જેનાથી વીજપ્રવાહ ખોરવાવાનો પણ ભય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંબંધમાં ઉદ્ધવ સાથે ચર્ચા પણ કરી હતી. પાલઘરમાં દેશનું સૌથી જુનુ તારાપુર એટોમિક પાવર પ્લાન્ટ છે. અહીંયા ઘણા અન્ય પાવર યુનિટ્સ પણ છે. મુંબઈમાં બાર્ક(ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર) છે. રાયગઢમાં પણ પાવર, પેટ્રોલિયમ, કેમિકલ્સ અને અન્ય બીજી મહત્વની ઈન્ડસ્ટ્રી છે. મુંબઈમાં જવાહરલાલ નહેરુ પોર્ટ અને નેવીના મહત્વના રણનીતિક ઠેકાણા છે.