સીધું વિદેશી મૂડી રોકાણ (એફડીઆઇ) આકર્ષવામાં ગુજરાત દેશમાં મહારાષ્ટ્ર કરતા પાછળ છે. વર્ષ 2023-24માં એપ્રિલથી ડિસેમ્બર સુધીના સમયગાળામાં રાજ્યોમાં વિદેશી મૂડી રોકાણ થયું હતું તેમાં ગુજરાતમાં મહારાષ્ટ્ર કરતા અડધાથી પણ ઓછુ મૂડી રોકાણ થયું હતું. મહારાષ્ટ્રમાં આ સમયગાળામાં 1 લાખ કરોડથી વધુ તો ગુજરાતમાં 48,410 કરોડ રૂપિયા મૂડી રોકાણ થવા પામ્યું હતું. મહારાષ્ટ્રનું વિદેશીમૂડી રોકાણ ગુજરાત ખેંચી જતું હોવાનો દાવો કરાય છે પરંતુ છેલ્લા ચાર વર્ષના એફડીઆઇના આંકડા મુજબ મહારાષ્ટ્ર પ્રથમ નંબરે, કર્ણાટક બીજા અને ગુજરાત ત્રીજા સ્થાને છે.
કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન એન્ડ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડના આંકડા મુજબ ગુજરાત વિદેશી મૂડી રોકાણમાં હજુ નંબર વન નથી. મહારાષ્ટ્રમાં મોટાપાયે સતત વિદેશી મૂડી રોકાણ થઇ રહ્યું છે અને 2023-24માં પણ તે પ્રવાહ જળવાયો છે. તો કર્ણાટકમાં ચાલુ વર્ષ દરમિયાન ગુજરાત કરતા ઓછુ એફડીઆઇ છે પરંતુ છેલ્લા ચાર વર્ષની સરેરાશમાં કર્ણાટક પણ ગુજરાત કરતા આગળ છે.
જો કે 2024ના વાઇબ્રન્ટ સમિટ બાદ સેમિ કન્ડક્ટર સહિત અનેક ક્ષેત્રમાં મોટાપાયે વિદેશી મૂડી રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. ડેટા મુજબ દર્શાવી રહ્યા છે કે, સૌથી વધુ એફડીઆઇ સર્વિસ સેકટર અને કોમ્પ્યુટર આઇટીમાં થાય છે. જે 30 ટકા કરતા પણ વધારે છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક આ બન્ને સેક્ટરમાં આગળ છે અને ગુજરાતે તેનું ફોકસ આ ક્ષેત્રો પર કરવા જેવું છે તેમ પણ જાણકારો કહી રહ્યા છે. કન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટમાં ટાઉનશીપ, હાઉસિંગ વિગેરેનો સમાવેશ થાય છે. તેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રોજેક્ટ સાથે હજુ મોટાપાયે મૂડી રોકાણની સંભાવના છે. ટુરિઝમ ક્ષેત્ર દેશમાં એફડીઆઇ 12મા નંબરે છે. ટુરિઝમ સેકટરનો વ્યાપ વધી રહ્યો છે તે જોતા તેની અસરકારક વ્યૂહ રચના માતબર રોકાણની તકો સર્જી શકે છે.