અખિલ ભારતીય અખાડા પરિષદના વડા મહંત નરેન્દ્ર ગીરીની ભેદી સંજોગોમાં આત્મહત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવેલા સ્વામી આનંદ ગીરી અને બીજા બે આરોપીને સોમવારે અલ્હાબાદ હાઇ કોર્ટે સાત દિવસની સીબીઆઇ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
બડે હનુમાન મંદિરના પૂજારી આદ્ય પ્રસાદ તિવારી અને તેમના પુત્ર સંદીપ સહિત આ ત્રણે આરોપી સામે મહંત નરેન્દ્ર ગીરીને આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ છે. આ ત્રણેયને 28 સપ્ટેમ્બરથી ચાર ઓક્ટોબર સુધી સીબીઆઇ કસ્ટડીમાં રાખવામાં આવશે. મહંત નરેન્દ્ર ગીરીએ તેમની સ્યુસાઇડ નોટમાં આ ત્રણેય આરોપી સામે માનસિક હેરાનગતિનો આરોપ મૂક્યો હતો.
મહંત નરેન્દ્ર ગીરીના મોત કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે. રાજ્ય સરકારની વિનંતીને પગલે કેન્દ્ર સરકારે શુક્રવાર, 24 સપ્ટેમ્બરે આ કેસની સીબીઆઇ તપાસને મંજૂરી આપી હતી. 21 સપ્ટેમ્બરે અલ્હાબાદ ખાતેના બાઘમ્બરી મઠમાં મહંતનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો હતો.
અગાઉ ઉત્તરપ્રદેશ સરકારે આ કેસની તપાસ કરવા માટે 18 સભ્યોની એસઆઇટીની રચના કરી હતી અને હરિદ્વારમાં તેમના એક શિષ્યને અટકાયતમાં લીધો હતો. પાંચ ડોક્ટર્સની ટીમે મહંત નરેન્દ્ર ગીરીના મૃતદેહનું પોર્ટપોર્ટમ કરીને સરકારને રિપોર્ટ સુપરત કર્યો હતો. 72 વર્ષીય મહંત ગયા અઠવાડિયે બાઘંબરી મઠ સ્થિત પોતાના રૂમમાં મૃત હાલતમાં મળ્યા હતા. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે ગીરીનુ મોત ફાંસીના કારણે શ્વાસ રૂંધાવાથી થયું છે. ઉત્તરપ્રદેશ પોલીસની એક તપાસ અનુસાર મહંતને છેલ્લીવાર સોમવારે બપોરે ભોજન બાદ પોતાના રૂમમાં પ્રવેશ કરતા જોવામાં આવ્યા હતા. સાંજે તેમના શિષ્યોએ દરવાજો ખખડાવ્યો તો કોઈ જવાબ આવ્યો નહીં જ્યારે તેમના શિષ્યોએ દરવાજો તોડ્યો અને રૂમમાં પ્રવેશ કર્યો તો તેમણે નરેન્દ્ર ગિરિને લટકતા હાલમાં દેખાયા હતા.