પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ના વરિષ્ઠ અધિકારીના સ્વાંગમાં વીવીઆઇપી સુવિધા અને ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે ફરતા અમદાવાદના કિરણ પટેલ નામના એક મહાઠગની જમ્મુ અને કાશ્મીર પોલિસે 17 માર્ચે ધરપકડ કર્યા પછી નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. કિરણ પટેલે કથિત રીતે ઉચ્ચ સ્તરની સુરક્ષા પ્રાપ્ત મેળવીને બુલેટપ્રૂફ કારમાં મુસાફરી કરી હતી અને તેમની મુલાકાતો દરમિયાન ફાઇવ-સ્ટાર હોટેલમાં સરકારી આવાસમાં રોકાયો હતો.
અમદાવાદમાં પાલડીના પાનના ગલ્લાથી લઇને છેક જમ્મુ -કાશ્મીરના સિનિયર અધિકારીઓને પોતે પ્રધાનમંત્રી કાર્યાલયનો (પીએમઓ)નો અધિકારી હોવાનું કહી રોફ જમાવતો ઠગ કિરણ પટેલે ગુજરાતમા પોલીસ અધિકારીઓ સહિત ઘણા લોકો સાથે ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં પીએમઓના આસિસ્ટન્ટ ડાયરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેનીંગ) વિઝીટ માટે પહોંચી ગયો હતો.
સીનિયર અધિકારી સાથે મીટિંગ કરી બુલેટ પ્રુફ ગાડી અને સઘન સિક્યોરિટી તથા એસ્કોર્ટ ગાડીઓ મેળવી આ નકલી અધિકારી તમામ જગ્યાએ ફરી આવ્યો હતો. સેનાના જવાનો તેની સુરક્ષામાં હથિયાર સાથે તહેનાત રહેતા હતા. સતત ત્રણ વખત અધિકારી બનીને કિરણને કાશ્મીર પહોંચી ગયો હતો. ત્યારે જ તેની વોચમાં રહેલી આઇબીની ટીમે રિપોર્ટ કર્યો કે કિરણ પટેલ કોઇ અધિકારી નહિ પરંતુ ઠગ છે. તરત જ એલર્ટ થઇ ગયેલી જમ્મુ કાશ્મીર પોલીસે તેને શ્રીનગરની ફાઇવ સ્ટાર હોટલમાંથી ઝડપી લીધો હતો.
કાશ્મીરના સંવેદનશીલ લાલ ચોક પર આર્મીના જવાનો વચ્ચે ઉભા રહીને ફોટા પડાવનાર, દુધપરથી ઘાટ પર બર્ફીલા પ્રદેશમાં જવાનોની સુરક્ષા વચ્ચે રોફ જમાવતા કિરણના ફોટા ઘણાં સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.. કિરણ કાશ્મીરમાં કડક સુરક્ષા અને બુલેટ પ્રુફ ગાડીઓમાં છેક પાકિસ્તાન બોર્ડર સુધી ફરી આવ્યો હતો.
વડાપ્રધાન ઓફિસના કથિત એડી. ડાયરેકટર ડો. કિરણ પટેલે પોતાની વગની વાતો કરી ઘણા અધિકારીઓ પાસેથી પણ પૈસા પડાવ્યા હતા. અમદાવાદના એક ડીસીપી પાસેથી પણ ક્રિમ પોસ્ટીંગ આપાવવાનું કહી તેની પાસેથી કરોડ રૂપિયા પડાવ્યા હતા. આવી રીતે કુલ ચાર પાંચ આઇપીએસ અધિકારીઓ પાસેથી કિરણે પૈસા પડાવયા હોવાનું સામે આવ્યું હતું.