ગયા વર્ષે લડાખમાં ગલવાન ખીણમાં ચીના સૈનિકો સાથેના સંઘર્ષમાં ભારે પરાક્રમ દેખાડનાર ભારતીય સેનાના શુરવીરોને મંગળવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંઘર્ષમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબૂને મરણોત્તર મહાવીર ચક્રથી સન્માનિત કરાયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સંતોષ બાબૂના પત્ની અને માતાએ આ સન્માન સ્વીકાર્યુ હતું.
ચીન સાથેના સંઘર્ષમાં ઓપરેશન સ્નો લેપર્ડમાં સામેલ શુરવીર જવાનો નાયબ સુબેદાર નુડુરામ સોરેન, હવાલદાર કે પિલાની, નાયક દીપક સિંહ અને સિપાહી ગુરતેજ સિંહને પણ વીરચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બહાદુરો પણ અથડામણમાં શહીદ થયા હતા. તેમના વતી તેમની પત્નીઓએ સન્માન સ્વીકાર્યુ હતુ.
કર્નલ સંતોષ બાબૂ 16મી બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા. ચીન સૈનિકો સાથે થયેલી અથડામણમાં તેમના સહિત 20 જવાનો શહીદ થયા હતા. સંતોષ બાબૂને મહાવીર ચક્ર અપાયો છે. જે વીરતા માટેનો બીજો સૌથી મોટો પુરસ્કાર છે.