મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં મેઘતાંડવ ચાલુ રહ્યું છે. આ વિસ્તારના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલનથી ઓછામાં ઓછા 36 લોકોના મોત થયા હતા અને અનેક લાપત્તા બન્યાં હતા. અવિરત મુશળધાર વરસાદને કારણે હજારો લોકો પૂરમાં ફસાયા છે. પુરગ્રસ્ત વિસ્તારાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાયગઢ મુંબઈથી આશરે 70 કિમી દૂર છે.
મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. રાયગડ જિલ્લાના મહાડ તાલુકાના તળઈ ગામમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન સર્જાતા પ્રાથમિક અહેવાલ મુજબ ઓછામાં ઓછા 36 લોકોનાં મોત નીપજ્યાં હતા અને 40 લોકો ગુમ થયા હતા. એનડીઆરએફ અને સ્થાનિક નાગરિકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
તળઈ ગામ એક અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર હોવાથી રાહત કામગીરીમાં ઘણી અડચણો આવી રહી છે. જ્યારે થોડા સમય પહેલા જ એનડીઆરએફની ટીમ અહીં પહોંચી ત્યારે આ ભયંકર ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ આ સ્થળે બચાવ કામગીરી ચાલુ છે. દુર્ઘટનાની ગંભીરતાને જોતા મૃત્યુઆંક વધવાની આશંકા છે. છેલ્લા કેટલાક કલાકોથી અહીં બચાવ કામગીરી ચાલુ છે.