મદિના ડેરીએ બિઝનેસ સરળતાથી ચાલે તે માટે દુધના ભાવમાં 1 સપ્ટેમ્બરથી લિટર દીઠ 1 પેન્સનો ભાવવધારો કરવાની જાહેરાત કરી છે. જેથી હવે તેના દુધની સરેરાશ લિટર દીઠ કિંમત 25.75 પેન્સ રહેશે. કોરોનાવાયરસ લૉકડાઉન દરમિયાન સૌથી વધુ અસરગ્રસ્ત ફૂડ સર્વિસ સેક્ટરના અગ્રણી મદિનાએ કહ્યું હતું કે આ વધારો બજારના વધુ સકારાત્મક વાતાવરણ અને વ્યવસાયમાંથી નોંધપાત્ર ખર્ચ લેવાના તેના પ્રયત્નોને દર્શાવે છે.
મદિનાએ આ અગાઉ 15 જૂને 1 પેન્સ પ્રતિ લિટર, 1 જુલાઈએ 1.5 પેન્સ, 1 ઓગસ્ટથી 1.5 પેન્સ પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. લોકડાઉન દરમિયાન હજારો હોટલ, પબ, રેસ્ટોરન્ટ્સ અને કોફી શોપ્સ બંધ રહેતા કંપની પર તેની મોટી અસર પડી હતી.
મદિનાએ એપ્રિલમાં જાહેરાત કરી હતી કે તે તેના સપ્લાયર્સને આપવામાં આવતા દૂધના ભાવમાં ઘટાડો કરશે અને તેના કેશફ્લોને સરળ બનાવવા પગલા લેશે. પરંતુ હેમ્પશાયરમાં આવેલી તેની વોટસન ડેરી ફ્રેશ લિક્વીડ પ્રોસેસિંગ સાઇટ વર્તમાન કટોકટીનો ભોગ બનશે.
મદિના ડેરીના ચીફ એક્ઝિક્યુટિવ શેઝાદ હુસેને જણાવ્યું હતું કે, “અમને ખૂબ જ દુખ છે કે અમે વોટસનની ડેરી સાઇટ પરની કામગીરી બંધ કરવાની દરખાસ્ત કરી છે. જો કે ત્યાં પ્રોસેસ થતું દુધ બીજે વાળવામાં આવશે.”