(ANI Photo)
ગોવા ખાતે તાજેતરમાં નવ દિવસીય ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં ભારતીય સિનેમામાં વિશેષ યોગદાન આપવા બદલ જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતનું એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. ફેસ્ટિવલના ઉદઘાટન સમારોહમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરના હસ્તે માધુરીને એવોર્ડ એનાયત થયો હતો.
ઠાકુરે સોશિયલ મીડિયામાં માધુરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, માધુરી વર્ષોથી આઈકોન છે. ચાર દાયકાથી તેમણે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવીને સિનેમાની ગરિમા જાળવી છે. નિશાથી લઇને ચંદ્રમુખીની ભૂમિકામાં તેમણે આપણને મનોરંજન આપ્યું છે, જ્યારે બેગમ પારા અને રજ્જો જેવા રોલમાં તેમની બહુમુખી પ્રતિભા જોવા મળી હતી.
54મા IFFI એવોર્ડમાં તેમના જેવી ટેલેન્ટેડ એક્ટ્રેસનું સન્માન કરવામાં અમે ખૂબ ખુશી અનુભવીએ છીએ. ઉલ્લેખનીય છે કે, ગોવામાં 9 દિવસીય IFFIનો પ્રારંભ 20મી નવેમ્બરથી થયો હતો. આ સમારંભમાં વિજય સેતુપતિ, સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી, સની દેઓલ, કરણ જોહર, શાંતનુ મોઈત્રા, શ્રેયા ઘોષાલ અને સુખવિંદર સિંહ સહિત અનેક અગ્રણી હાજર રહ્યા હતા.
IFFIમાં ઓટીટી એવોર્ડની પણ શરૂઆત કરવામાં આવી છે. બેસ્ટ વેબ સિરીઝના એવોર્ડ માટે પાંચ સભ્યોની જ્યુરી બનાવવામાં આવી છે. આ જ્યુરીના વડા તરીકે ફિલ્મમેકર રાજકુમાર હિરાની છે. જ્યારે અન્ય સભ્યોમાં દિવ્યા દત્તા, પ્રસોનજીત ચેટરજી, ક્રિશ્ના ડીકે અને ઉત્પલ બોરાપુજારીનો સમાવેશ કરાયો છે. આ કેટેગરીમાં એવોર્ડ માટે 10 ભાષાના 15 ઓટીટી પ્લેટફોર્મ તરફથી 32 એન્ટ્રી આવી છે.
IFFIમાં પ્રથમ વખત ઓટીટી એવોર્ડ કેટેગરી અંગે અનુરાગે ઠાકુરે જણાવ્યુ હતું કે, કોવિડ 19 દરમિયાન આ ઈન્ડસ્ટ્રી વિકસી છે અને ભારતમાં હજારો લોકોને રોજગારી આપે છે. 28 ટકાના વાર્ષિક દરે વિકસી રહેલી ઓટીટી ઈન્ડસ્ટ્રીમાં સારા કન્ટેન્ટને બિરદાવવા માટે ભારત સરકાર દ્વારા એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY