એક સમયની બોલીવૂડની ધક ધક ગર્લ તરીકે જાણીતી માધુરી દીક્ષિતે મુંબઇના વૈભવી એરિયા વરલીમાં તાજેતરમાં એક મોંઘરો ફ્લેટ ખરીદ્યો હોવાનું કહેવાય છે. તેણે અંદાજે રૂ. 48 કરોડમાં 53મા માળે આલિશાન ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટમાંથી સમુદ્રનો સુંદર નઝારો માણી શકાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ માધુરીએ 5384 ચોરસ ફૂટના ઘર માટે પ્રતિ સ્કે. ફૂટ રૂ. 90,000 ચૂકવ્યા હતા. તેને આ ફ્લેટ સાથે સાત કારનું પાર્કિંગ થઇ શકે તેટલી જગ્યા ફાળવવામાં આવી છે. આ સોસાયટીમાં ફૂટબોલ, ક્રિકેટ પીચ, સ્વિમિંગ પુલ સહિતની વૈભવી સવલતો ઉપલબ્ધ છે. કહેવાય છે કે, આ જ સોસાયટીમાં માધુરી અત્યારે ભાડાના એક ઘરમાં રહેતી હતી અને તે પણ સી વ્યૂ અપાર્ટમેન્ટ હતો, જેનું ભાડું મહિને 12 લાખ રૂપિયા હતું અને તે 5500 ચોરસ ફૂટ જગ્યામાં હતો.
માધુરી કુલ રૂ. 250 કરોડની નેટવર્થ ધરાવતી હોવાનું કહેવાય છે. તે ફિલ્મમા ઉપરાંત, વેબસીરીઝ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, રિયાલિટી શો, પોતાની યુટ્યૂબ ચેનલ અને ઓનલાઇન ડાન્સ સ્કૂલમાંથી મોટી કમાણી કરે છે. માધુરી એક ફિલ્મ માટે રૂ. ચારથી પાંચ કરોડ અને રિયાલિટી શોમાં એપિસોડ દીઠ રૂ. ૩૦ લાખ લેતી હોવાનું કહેવાય છે.
બીજી તરફ આ વર્ષે ખૂબ જ ચર્ચામાં રહેલી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી અને પત્ની પલ્લવી જોશીએ પણ તાજેતતરમાં મુંબઇના અંધેરી વિસ્તારમાં રૂ. 18 કરોડનો ફલેટ ખરીદ્યો હોવાનું કહેવાય છે. વિવેકે આ ફ્લેટના સોદા માટે 1.07 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે. બિલ્ડિંગના 30મા માળે આવેલો આ ફ્લેટ 3258 સ્ક્વેર ફૂટ જગ્યામાં છે. આ ફ્લેટ સાથે ત્રણ કારના પાર્કિંગની જગ્યા પણ મળી છે. વિવેકે અગાઉ એડ ફિલ્મ અને ટીવી સિરિયલનું નિર્માણ કર્યું હતું. ડાયરેક્ટર તરીકે તેની પહેલી ફિલ્મ ‘ચોકલેટ’ હતી. જોકે, તેનેે ખરી સફળતા ‘કાશ્મીર ફાઈલ્સથી મળી છે. 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં રૂ. 340 કરોડનો બિઝનેસ કર્યો હોવાનું કહેવાય છે.