ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું લગ્ન જ્યાં થયું હતું એ સ્થળે માધવરાયનું મંદિર માધવપુર મુકામે આવેલું છે. આ માધવપુર પોરબંદરથી લગભગ 60 કિ.મી. દૂર આવેલું છે. મહાભારત કાળનું ગણાતું આ મંદિર મધુગંગાનદીના કિનારે ઊભું છે. આ નદીને મધુમતિ નદી પણ કહે છે. તે પણ મહાભારત કાળ સાથે સંકળાયેલી છે. એક કથા મુજબ મધુ નામના રાક્ષસને મારવા વિષ્ણુએ યુદ્ધ કરેલું ત્યારે વિષ્ણુને તરસ લાગતાં તેમણે ગંગાજીનું સ્મરણ કરતાં અહીં ગંગાજી પ્રગટ થયાં અને વિષ્ણુએ પોતાની તરસ છીપાવી અને વિષ્ણુએ જ આ ગામ વસાવ્યું એટલે તેમના નામ માધવ પરથી માધવપુર તરીકે ઓળખાયું. સ્કંદપુરાણના ઉલ્લેખ મુજબ અહીં શ્રીકૃષ્ણ અને રૂકમણીનો લગ્નોત્સવ પાંચ દિવસ ધામધૂમથી ઉજવાયો હતો, અને એ દિવસ ચૈત્ર સુદ 12 એટલે આજે પણ અહીં એ દિવસે ધામઝૂમથી આ ઉત્સવ મનાવાય છે અને લોકમેળા ભરાય છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનાં સ્થળ બ્રહ્મકુંડ, મધુવન, કદંબકુંડ, રેવતીકુંડ, ગોમતી, જ્ઞાનવાવ વિગેરે દર્શનીય છે.
માધવપુરના મંદિરમાં ભગવાન માધવરાય બિરાજે છે. જે શ્રી કૃષ્ણુનું જ સ્વરૂપ છે. મુખ્ય મંદિરની બહાર અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ છે. એમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ છે. આ મંદિર (13મી સદી) અગાઉ લાકડાનું હતું. પણ સમયની થપાટો સાથે નષ્ટ થતાં ફરી અહીં મંદિર બંધાયાનું કહેવાય છે. જોકે, આ મંદિર 15મીથી 16મી સદીનું મનાય છે. નવું મંદિર 1840માં બંધાયું છે. જેનો શિલાલેખ જોવા મળે છે.
અહીં ભરાતો લોકમેળો માધવપુરનો મેળો, કે માધાપુરનો મેળો તરીકે પ્રખ્યાત છે. વિદર્ભની કન્યા રૂબકમણીનું લગ્રન શિશુપાલ સાથે થવાનું હતું જે રૂકમણીને મંજૂર ન હતું, તેથી તેમણે શ્રીકૃષ્ણને પત્ર લખી પોતાનું અપહરણ કરી જવા જણાવ્યું અને એ મુજબ શ્રીકૃષ્ણે રૂકમણનનું અપહરણ કરી દ્વારકા લઇ આવ્યા, અને ત્યાર બાદ આ માધવપુર ખાતે તેમનું લગ્ન યોજાયું હતું. જેથી અહીં દર વર્ષે તેમના લગ્નોત્સવમાં લોકમેળો યોજાય છે જેમાં લોકો વિવાહોત્સવનો લાભ લે છે. અને પાંચ દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. જેથી આ મેળો ઘણો પ્રખ્યાત થયો છે. આ સ્થળ માધવપુર ઘેડ તરીકે પણ એળખાય છે. જે પોરબંદરના દરિયાકાંઠા પરનું સ્થળ છે. અરબી સમુદ્રકાંઠે આવેલ આ સ્થળ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને માંગરોળ કે ચોરવાડ જેટલું જાણીતું અને પ્રાચીન છે. અહીં સુંદર મજાનો બીચ આવેલો છે.
આ સ્થળ વેરાવળ – પોરબંદર માર્ગ પર આવેલું છે. જે સોમનાથથી 70 કિલોમીટર અને દ્વારિકાથી 80 કિ.મી. દૂર આવેલું છે.
- દુર્ગેશ ઉપાધ્યાય