ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનનો ટેસ્ટ કોરોનાવાયરસ માટે પોઝીટીવ આવ્યો હોવાના સમાચાર સાંપડ્યા છે. જેને કારણે મેક્રોનને મળનાર કેટલાક અન્ય યુરોપિયન નેતાઓ સેલ્ફ આઇસોલેશનમાં જતા રહ્યા છે.
42 વર્ષના ઇમેન્યુઅલ મેક્રોનને લક્ષણો વિકસિત થયા પછી કોવિડ-19 હોવાનું નિદાન થયું હોવાની એલિસી પેલેસે જાહેરાત કરી છે. ગુરૂવારે તા. 17ના રોજ એક ટૂંકા નિવેદનમાં, મહેલે જણાવ્યું હતું કે લક્ષણો દેખાતાની સાથે જ મેક્રોને પીસીઆર પરીક્ષણ કરાવ્યું હતું અને દરેકને લાગુ પડતા હેલ્થ પ્રોટોકોલની જેમ સાત દિવસ માટે સેલ્ફ આઇસોલેટ થશે. તેઓ સતત કામ ચાલુ રાખશે અને તેમની પ્રવૃત્તિઓ ઘરે રહીને કરશે.
ઇયુની પ્રેસિડેન્સી માટે લડી રહેલા અને સોમવારે મેક્રોન સાથે એલિસીમાં વર્કિંગ લંચ કરનારા પોર્ટુગીઝ વડા પ્રધાન, એન્ટૉનિયો કોસ્ટાએ પોતાની તમામ સત્તાવાર બેઠકો અને યાત્રાઓ રદ કરી દીધી છે અને પોતાના ટેસ્ટની રાહ જોઇ રહ્યા છે. સ્પેનિશ વડા પ્રધાન, પેડ્રો સેન્ચેઝ, જેમણે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ, ચાર્લ્સ મિશેલ સાથે, સોમવારે એલિસી ખાતે મેક્રોન સાથે બપોરનું ભોજન કર્યુ હતું. તેમણે પણ જાહેર પ્રવૃત્તિઓને સ્થગિત કરી દીધી છે અને તા. 24 સુધી આઇસોલેશનમાં રહેશે. મિશેલે મંગળવારે નેગેટીવ ટેસ્ટ મેળવ્યો હતો પણ તેઓ સાવચેતી રૂપે આઇસોલેશનમાં રહેશે.