અમદાવાદના જાસપુર ખાતે મા ઉમિયાના 431 ફૂટ ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય 22 નવેમ્બર 2021થી શરુ થશે, વિશ્વ ઉમિયા ફાઇન્ડેશન દ્વારા આ અંગે નિમંત્રણ પત્રિકા જારી કરવામાં આવી હતી. આ પ્રસંગે શતચંડી મહાયજ્ઞ, 31 હજાર દિવડાઓનો દિપોત્સવ, શોભાયાત્રા અને વ્યસન મુક્તિ બાઈક રેલીનું આયોજન કરાયું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના પ્રધાનો અને સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.
અમદાવાદ શહેરમાં તૈયાર થનારા આ ઉમિયાધામમાં ધર્મસંકુલ, શિક્ષણસંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિગૃહ જેવા જુદા જુદા વિભાગોનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં 1200 લોકો રહી શકે તેવી અત્યાધુનિક હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે.
મંદિરનું ભૂમિપૂજન 4 માર્ચ 2019 અને શિલાન્યાસ 29 ફેબ્રુઆરી 2020ના રોજ ભવ્ય રીતે સંપન્ન થયું હતું. પરંતુ કોરોના જેવી વૈશ્વિક મહામારીને લીધે નિર્માણ કાર્ય શરુ કરવામાં સમય લાગ્યો છે. વિશ્વઉમિયાધામ નિર્માણ કાર્યના શુભપ્રસંગે શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ નજીકના જાસપુર ખાતે નિર્માણાધીન મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરની આકૃતિના આકારમાં 31000 દિવાડાઓ પ્રગટાવી ગુજરાતના સૌથી મોટા દિપોત્સવની ઉજવણી કરાશે.