લેસ્ટરશાયરમાં M1ના હાર્ડ શોલ્ડર પર 23 ઓગસ્ટના રોજ રીકવરી માટે રાહ જોઈ રહેલા અને પાછળથી આવતી લૉરીની ટક્કર લાગતા મોતને ભેટેલા 39 વર્ષના શફીકુલ હૈદરને વધુ પડતી સ્પીડ માટે ત્રણ ટિકિટ મોકલવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. તેમના પરિવારે જણાવ્યું હતું કે આ પત્રોએ તેમને “વધુ પીડા” આપી હતી.
છ બાળકોના પિતા શફીકુલ હૈદર ઇસ્ટ લંડનના બાર્કિંગમાં રહેતા હતા અને ગણિતના શિક્ષક હતા. તેમના પરિવારે જણાવ્યું હતું કે તેઓ M1 મોટરવેના જંકશન 20 નજીક હતા ત્યારે તેમની કાર સેન્ટ્રલ રિઝર્વેશનમાં અથડાઈ હતી. કોઇકે લેસ્ટરશાયર પોલીસને જાણ કરતા નેશનલ હાઈવે ઓથોરીટીએ કાર ખસેડીને હાર્ડ શોલ્ડર પર મૂકી હતી. બાદમાં 7:47 કલાકે હૈદરને લૉરીએ ટક્કર મારી હતી અને તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
તેમના મૃત્યુ બાદ, નોર્થમ્પ્ટનશાયર પોલીસ, થેમ્સ વેલી પોલીસ અને મેટ્રોપોલિટન પોલીસે હૈદરના ઘરના સરનામે સ્પીડીંગ માટે ત્રણ પ્રોસિક્યુશન નોટિસ મોકલી હતી. પણ તે નોટીસ હવે પરત ખેંચી લેવાઇ છે.