બોલિવૂડના પીઢ અભિનેતા દિલીપ કુમારના નિધનથી દુનિયાભરના ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તો બીજી તરફ હંમેશા પડછાયાની જેમ તેમની સાથે ઉભા રહેલા તેમના પત્ની સાયરા બાનુ આઘાતમાં છે. એક ઈન્ટવ્યૂમાં લતા મંગેશકરે કહ્યું હતું ‘સાયરાજીનો દરેક શ્વાસ યુસૂફ સાહેબ માટે હોય છે. મેં મારા સમગ્ર જીવનમાં ક્યારેય તેમના જેવા સમર્પિત પત્ની નથી જોયા’. સાયરા બાનુ અને દિલીપ કુમાર વચ્ચે એવા સંબંધો હતો, જે હંમેશા અન્ય માટે પ્રેરણા બનતા રહ્યા હતી.
પોતાનાથી 22 વર્ષ મોટા એક્ટરની સાથે લગ્નના બંધનમાં બંધાયેલા સાયરા બાનુને ફિલ્મી દુનિયા છોડવાનો કોઈ અફસોસ નહોતો. એક્ટ્રેસે પોતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમણે કોઈના દબાણ હેઠળ નહીં પરંતુ ઈચ્છાથી આ નિર્ણય લીધો હતો. કારણ કે તેઓ પોતાનું સંપૂર્ણ ધ્યાન દિલીપ કુમાર પર લગાવવામાં માગતા હતા.
દિલીપ કુમાર અને સાયરા બાનુ જીવનભર નિઃસંતાન રહ્યા હતા. અંગે પોતાની ઓટોબાયોગ્રાફીમાં એક્ટરે જણાવ્યું હતું કે વર્ષ 1972માં સાયરા બાનુ ગર્ભવતી હતા, પરંતુ 8મો મહિનો ચાલી રહ્યો હતો ત્યારે બીપી હાઈ થઈ ગયું અને ડોક્ટરો બાળકને ન બચાવી શક્યા. આ ઘટનાને કપલે ભગવાનની ઈચ્છા માની અને સંતાન વિશે બીજીવાર વિચાર્યું નહીં.
બાળક ગુમાવ્યા બાદ સાયરા બાનુ અને દિલીપ કુમારનું દિલ તૂટી ગયું હતું, પરંતુ તેમનો પ્રેમ અતૂટ રહ્યો. ઉપરથી એકબીજા પ્રત્યેનું સમર્પણ વધી ગયું. એક ઈન્ટરવ્યૂમાં સાયરા બાનુએ જણાવ્યું હતું કે, ‘અમારા લગ્ન મારા જીવનમાં સૌથી વધારે મહત્વ ધરાવે છે. મને બાળકની ખોટ ક્યારેય વર્તાતી નથી. કારણ કે, દિલીપ સાહેબ પોતે બાળક જેવા છે’