બ્રાઝિલમાં રવિવારે જેયર બોલ્સોનારોને હરાવી ડાબેરી નેતા લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા છે. પરંતુ જમણેરી વિચારધારા ધરાવતા જેયર બોલ્સોનારોએ હાર સ્વીકારી ન હતી. તેનાથી તેઓ ચૂંટણીના પરિણામોને પડકારે તેવી ચિંતા ઊભી થઈ હતી.
સુપ્રીમ ઈલેક્ટોરલ કોર્ટ (TSE) એ 50.9% મતો સાથે લુલાને આગામી પ્રમુખ જાહેર કર્યા. હતા. આની સામે બોલ્સોનારોને 49.1% મત મળ્યા હતા. 77 વર્ષીય લુલા 1 જાન્યુઆરીએ પ્રેસિડન્ટનો હોદ્દો સંભાળશે. આ ચૂંટણીમાં ભારતના વખાણ કરનારા જેયર બોલ્સોનારોને હાર થઈ હતી. જેયર બોલ્સોનારો જીતથી ખૂબ જ નજીક હતા. લગભગ 3 દાયકા પછી એવું બન્યું કે કોઈ પ્રમુખ બીજા કાર્યકાળ માટે ચૂંટાયા ન હતા.
દા સિલ્વા માટે તેમની સજા જ વરદાન બની ગઈ છે. વર્ષ 2018માં તેમને વોટિંગ કરવાથી રોકવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચારના આરોપમાં તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. બ્રાઝીલના મીડિયાના અહેવાલો અનુસાર લૂલાનો ઉછેર એક ગરીબ પરિવારમાં થયો હતો. તેમના પિતા એક ખેડૂત હતા અને તેઓ કુલ 7 ભાઈ-બહેન હતા. લૂલા જ્યારે 7 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર આજીવિકા માટે બ્રાઝીલના ઔદ્યોગિક કેન્દ્ર સાઓ પોલો આવી ગયો હતો.
રાજકારણમાં જોડાતા પહેલા લૂલાએ 14 વર્ષની ઉંમર સુધી ધાતુ કામ કર્યું હતું. તેમણે જુત્તા પોલીસ કરવાનું અને મગફળી વેચવાનું કામ પણ કર્યું હતું. વર્ષ 1960માં કામ કરતી વખતે એક અકસ્માતમાં તેમની આંગળી કપાઈ ગઈ હતી. વર્ષ 1970માં આર્મી તાનાશાહી શાસન દરમિયાન જ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1980માં તેમણે વર્કર્સ પાર્ટીની રચના કરી હતી. પાર્ટીની રચના કર્યાના માત્ર 9 વર્ષ બાદ જ તેઓ પ્રેસિડન્ટની રેસમાં ઉતર્યા હતા.
લૂલાએ વર્ષ 1989 થી 1998 સુધી 3 વખત પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી લડી હતી, પરંતુ દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2002માં તેઓ પ્રથમ વખત પ્રેસિડન્ટ બન્યા હતા. લૂલાની બન્ને પત્નીઓના મૃત્યુ થયા હતા. તેમણે 72 વર્ષની ઉંમરે ફરીથી લગ્ન કર્યા હતા. વર્ષ 2003 થી 2010 સુધીના તેમના કાર્યકાળ દરમિયાન, લૂલાએ એક સોશિયલ વેલફેર પ્રોગ્રામ ચલાવ્યો હતો, તેની વ્યાપક સ્તરે અસર ઉભી થઈ હતી. બ્રાઝીલની અર્થવ્યવસ્થાને પણ વેગ મળ્યો હતો.