ભારત સરકારે બુધવારે લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) અનિલ ચૌહાણની નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિમણૂંક કરી છે. જનરલ બિપિન રાવત બાદ તેઓ બીજા CDS હશે. આર્મીમાં આશરે 40 વર્ષની સેવા આપનાર અનિલ ચૌહાણ ગયા વર્ષે જ નિવૃત થયા હતા.
ગયા વર્ષે ડિસેમ્બરમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતનું મૃત્યું થયા બાદ CDSનો હોદ્દો ખાલી હતો.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેઓ ભારત સરકારના લશ્કરી દળોના બાબતોને લગતા વિભાગના સચિવ તરીકે પણ કાર્ય કરશે. રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ તેમની 40 વર્ષ કરતા વધારે કરિયરમાં અનેક કમાન્ડ સંભાળી ચુક્યા છે. તેઓ જમ્મુ-કાશ્મીર તથા ઉત્તર-પૂર્વ ભારતમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં વ્યાપક પ્રમાણમાં અનુભવ ધરાવે છે.
18મી મે 1961ના રોજ જન્મેલા લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ વર્ષ 1981માં ભારતીય આર્મીમાં 11મી ગોરખા રાઈફલ્સ ટુકડી સાથે જોડાયા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલા અને ઈન્ડિયન મિલિટ્રી એેકેડમી, દહેરાદૂનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. મેજર જનરલના રેન્કના આ અધિકારીએ ઉત્તરી કમાનમાં મહત્વના બારામુલા સેક્ટરમાં એક ઈન્ફ્રેન્ટ્રી ડિવિઝનનું સુકાન સંભાળી ચુક્યા છે.
ત્યારબાદ લેફ્ટનન્ટ જનરલ તરીકે તેમણે ઉત્તર પૂર્વમાં એક કોર કમાન સંભાળી હતી. સપ્ટેમ્બર 2019થી પૂર્વી કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ બન્યા હતા અને 31 મે 2021ના રોજ તેઓ નિવૃત થયા હતા.