ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સિવાયની નીચલી અદાલતોમાં મંગળવારથી પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત કરવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી એસ.ઓ.પી. અને કોવિડ ગાઇડલાઇન હેઠળ પ્રત્યક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. જો કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરની હદમાં આવેલી નીચલી અદાલતો શરૂ કરવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.
મંગળવારથી શરૂ થયેલી કોર્ટો ગાઇડલાઇન મુજબ 10:45થી 4 વાગ્યા સુધી કાર્યરત રહેશે અને તમામ જજો, વકીલો અને પક્ષકારોને થર્મલ ચેકિંગ બાદ જ પ્રવેશ અપાઇ રહ્યો છે. આ ઉપરાંત ન્યાયમૂર્તિ અને સ્ટાફના ટેબર પર પ્લેક્સીગ્લાસ કે એક્રેલિક શીટ મૂકવામાં આવી છે. કોર્ટ સંકુલની કેન્ટીનોમાં ચા-કોફી, પાણી તેમજ પેકેજ્ડ ફૂડ જ મળશે અને સંકુલના એ.ટી.એમ. પણ બંધ રાખવામાં આવ્યા છે.
હાઇકોર્ટમાં 12મી ડિસેમ્બરે ઓનલાઇન લોકઅદાલત યોજાશે. કોરોનાની મહામારીના કારણે વીડિયો કોન્ફરન્સથી યોજાયેલી આ બીજી લોક-અદાલત હશે. આ લોક અદાલતમાં ચેક બાઉન્સના કેસો, ક્રિમિનલ કેસ, મની રિકવરી કેસ, લેબર ડિસ્પ્યુટ કેસ, રેવન્યુ કેસ, જમીન સંપાદનના કેસ, પગાર અને ભથ્થાને લગતા સર્વિસ કેસ તેમજ ભાડા અને લીઝને લગતા સિવિલ કેસોમાં બન્ને પક્ષોને સાંભળી સમાધાન સાધવામાં આવશે. આ આયોજન માટેની એસ.ઓ.પી. પણ જાહેર કરવામાં આવી છે. જેમાં તમામ પક્ષોના વકીલો અને પક્ષકારોને સુનાવણીની લિન્ક મોકલવામાં આવશે અને લોકઅદાલતમાં ભાગ લેવા માગતા પક્ષોએ પાંચમી ડિસેમ્બર સુધીમાં હાઇકોર્ટ લિગલ સર્વિસ કમિટીનો સંપર્ક કરવાનો રહેશે.