Lord Mohammed Sheikh

સફળ ઉદ્યોગપતિ, લેખક, બ્રિટિશ રાજકારણી અને પ્રથમ કન્ઝર્વેટિવ મુસ્લિમ પીઅર લોર્ડ મોહમ્મદ શેખનું તા. 22ને ગુરુવારે  81 વર્ષની વયે અવસાન થયું હતું.

લોર્ડ શેખે કન્ઝર્વેટિવ મુસ્લિમ ફોરમની સ્થાપના કરી હતી અને ઘણા વર્ષો સુધી તેની અધ્યક્ષતા કરી હતી. હાલમાં તેઓ ફોરમના પ્રમુખ હતા. તેમણે ઘણી યુનિવર્સિટીના વિઝિટિંગ લેક્ચરર અને સલાહકાર તરીકે પણ સેવા આપી યુકે અને અન્ય દેશો વચ્ચે શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપ્યું હતું.

મૂળ પંજાબના લોર્ડ શેખનો જન્મ કેન્યામાં થયો હતો અને યુગાન્ડામાં ઉછર્યા હતા. જનરલ ઈદી અમીન દ્વારા યુગાન્ડામાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ તેમનો પરિવાર 1972માં યુકેમાં ‘પેનિલેસ’ આવ્યો હતો. તેમના પિતા એક શ્રીમંત વેપારી હતા અને યુગાન્ડામાં અનેક મિલકતોના માલિક પણ હતા.

લોર્ડ શેખે કેમ્બરફોર્ડ લો નામની ઇન્સ્યુરંશ બ્રોકિંગ ફર્મ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. સમય  જતા તેને ખરીદી લઇ કંપની બનાવી 1,800 બ્રોકર્સને રીસ્ક ફેસીલીટી આપી ત્રણ વર્ષના ગાળામાં 12 મોટા પુરસ્કારો જીત્યા હતા.

લોર્ડ શેખની 2006માં હાઉસ ઓફ લોર્ડ્સમાં વરણી કરાઇ હતી અને યુકે સાથેના વેપારને વિસ્તૃત કરવા તેમણે વ્યાપકપણે વિદેશ પ્રવાસ કર્યો હતો. લોર્ડ શેખે બ્રિટિશ સંસદમાં ઇસ્લામિક અને એથિકલ ફાઇનાન્સ માટે ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG) ની સ્થાપના કરી હતી જેના તેઓ સહ-અધ્યક્ષ હતા. તેઓ ટર્કી, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, કઝાકિસ્તાન અને તાજિકિસ્તાન પરની APPGsના વાઇસ-ચેર હતા.

મહારાજા રણજિત સિંહ પરનું તેમનું પ્રથમ પુસ્તક અને ચાર પ્રથમ બ્રિટીશ ભારતીય સાસંદો પરનું બીજું પુસ્તક ‘’એન ઈન્ડિયન ઇન ધ હાઉસ’’ ખૂબ જ પસંદ કરાયું હતું. તેમણે પિતાના નામ પરથી શેખ અબ્દુલ્લા ફાઉન્ડેશન ચેરિટીની સ્થાપના કરી હતી.

તેમના અંતિમ સંસ્કાર શુક્રવાર તા. 23ના રોજ ક્રોયડન મસ્જિદ અને ઇસ્લામિક સેન્ટર ખાતે કરાયા હતા અને દફનવિધિ ગ્રીનલોન મેમોરિયલ પાર્ક ખાતે કરાઇ હતી.

LEAVE A REPLY