બ્લેકબર્નના અબજોપતિ ઉદ્યોગપતિ મોહસીન અને ઝુબેર ઇસાની દ્વારા પોતાના પેટ્રોલ સ્ટેશન ઇજી ગૃપના વડા તરીકે માર્ક્સ એન્ડ સ્પેન્સરના ભૂતપૂર્વ વડા લોર્ડ રોઝ ઓફ મોનેડનની વરણી કરી છે. લોર્ડ રીઝ આ વર્ષે સંભવિતપણે મલ્ટિબિલિયન-પાઉન્ડના શેર બજારની સૂચિમાં નામ દાખલ કરી કોર્પોરેટ ગવર્નન્સની ચિંતા દૂર કરશે.
71 વર્ષના લોર્ડ રોઝે તાત્કાલિક અસરથી ઇજી ગ્રુપમાં નોન-એક્ઝિક્યુટિવ ભૂમિકા સ્વીકારી લીધી છે અને મે મહિનામાં તેઓ એફટીએસઇ 100 ઓનલાઈન ગ્રોસર ઓકાડોના અધ્યક્ષ પદને છોડી દેનાર છે. જર્સીમાં રજીસ્ટર થયેલ ઇજી ગ્રુપના ઇસા ભાઇઓની માલિકીની ખાનગી ઇક્વિટી કંપની ટીડીઆર કેપિટલે ગયા વર્ષે યુએસ રિટેલ જાયન્ટ વૉલમાર્ટ પાસેથી £6.8 બિલીયનમાં આસ્ડાને હસ્તગત કરી હતી.
કન્ઝર્વેટિવ લાઇફ પીઅર છે અને માર્ક્સ અને સ્પેન્સરમાં ચીફ એક્ઝિક્યુટિવ-ચેરમેનનું બેવડુ પદ સંભાળી ચૂકેલા લોર્ડ રોઝે કહ્યું હતું કે “મને આ સ્તરના બિઝનેસ માટે યોગ્ય શાસન માળખાને વિકસિત કરવા કહેવામાં આવ્યું હતું. આ બિઝનેસ પાસે ઉત્તેજક વિકાસ યોજનાઓ અને આગામી વર્ષોમાં અપવાદરૂપ સંભાવનાઓ છે.”
ઇસા બંધુઓએ 2001માં બરીમાં એક પેટ્રોલ સ્ટેશનથી ઇજી ગ્રુપ બનાવ્યું હતું અને આજે તેઓ 10 દેશોમાં 6,000થી વધુ સાઇટ્સ પર કન્વીનીયન્સ સ્ટોર્સ, ફૂડ સર્વિસ આઉટલેટ્સ અને પેટ્રોલ સ્ટેશન ચલાવે છે.