લોર્ડ રેમી રેન્જર CBEની કંપની સન માર્ક લિમિટેડ સામે તેમના ભૂતપૂર્વ કર્મચારી રમણદીપ કૌરે કરેલા £670,000ના દાવાને “નિંદનીય, ગેરવાજબી અને ત્રાસદાયક” ગણાવી દેશના સૌથી વરિષ્ઠ એમ્પ્લોયમેન્ટ અપીલ ટ્રિબ્યુનલના પ્રમુખ, ડેમ જેનિફર ઈડીએ ફગાવી દેતા નોંધપાત્ર કાનૂની લડાઈમાં લોર્ડ રેમી રેન્જર CBE અને તેમની કંપની, સન માર્ક લિમિટેડની જીત થઇ છે.
શ્રીમતી રમનદીપ કૌરે સન માર્ક લિમિટેડ અને સી, એર એન્ડ લેન્ડ ફોરવર્ડિંગ લિમિટેડ સામે £673,000નો દાવો કરી તેમનો કેસ દેશના સૌથી વરિષ્ઠ એમ્પલોયમેન્ટ જજ પાસે લઈ ગયા હતા. જેમાં આ મહિને સુનાવણી પછી, જજ ડેમ જેનિફર ઈડીએ, બે કંપનીઓ અને તેના સ્થાપક, લોર્ડ રામિન્દર સિંઘ રેન્જર CBE અને ચીફ એક્ઝિક્યુટિવ હમરીત સિંહ આહુજાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને અગાઉના ચુકાદાને પણ સમર્થન આપ્યું હતું કે શ્રીમતી કૌરનું વર્તન “નિંદનીય, ગેરવાજબી અને ત્રાસદાયક હતું.”
દાવેદાર રમનદીપ કૌરની વિશ્વસનીયતા શરૂઆતથી જ શંકાના દાયરામાં હતી અને તારણ કાઢ્યું હતું કે દાવેદાર બાબતોની અતિશયોક્તિ કરવાની અને જે બન્યું હતું તેના પર વધુ અશુભ અર્થઘટન મૂકવાનું વલણ ધરાવે છે.
આ ચુકાદો જાતીય ભેદભાવ અને ઉત્પીડનના વિવાદિત દાવાઓ સામે બિઝનેસીસ અને તેના વરિષ્ઠ નેતૃત્વનો મજબૂત રીતે બચાવ કરવાના નિર્ણયને સમર્થન આપતી છ વર્ષની કાનૂની લડાઈનો અંત લાવે છે.
ડેમ ઈડીએ જજ હાયમ્સના 2023ના ચુકાદાને સમર્થન આપ્યું હતું કે શ્રીમતી કૌરે ઇરાદાપૂર્વક કેસના નિર્ણાયક પુરાવાનો નાશ કરીને ન્યાયની પ્રક્રિયાને નિરાશ કરી હતી, જેમાં ઓક્ટોબર 2018માં લોર્ડ રેન્જરને ઉશ્કેર્યા પછી તેમની સાથેની ગુપ્ત વાતચીત રેકોર્ડ કરવા માટે ઉપયોગમાં લેવાતા ફોન અને એક નોટબુકનો સમાવેશ થાય છે. તેણીએ કેટલીક ઘટનાઓની વિગતો રાખવાનો આક્ષેપ કર્યો હતો.
શ્રીમતી કૌરે સન માર્કના કાનૂની પ્રતિનિધિઓને ફોન અને નોટબુકની તપાસ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો અને ઓક્ટોબર 2022માં આખરે સ્વીકાર્યું હતું કે તેણે પુરાવાનો નાશ કર્યો હતો કે જેના પર કેસના પાસાઓ જોડાયેલા હતા.
21 માર્ચ, 2024ના રોજ અપીલના ચુકાદામાં, ડેમ ઈડીએ જણાવ્યું હતું કે જજ હાયમ્સે સ્થાપિત કર્યું હતું કે શ્રીમતી કૌર તેના વર્તનમાં અપ્રમાણિક હતી અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો અને ક્યારે તેનો નાશ કરવામાં આવ્યો હતો તેના વિશે ખોટું બોલ્યા હતા. જેને કારણે ડેમ ઈડીએ તારણ કાઢ્યું હતું કે ન્યાયી સુનાવણી અશક્ય હોવાથી કે આ કેસને સમાપ્ત કરવો જોઇએ.
સન માર્ક લિમિટેડના ચેરમેન લોર્ડ રેન્જર CBE એ કહ્યું હતું કે “અમને ખુશી છે કે સૌથી વરિષ્ઠ એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલના જજે અમારી તરફેણમાં ચુકાદો આપી શ્રીમતી કૌરની અપીલને ફગાવી દીધી છે. અમે હંમેશા દલીલ કરી છે કે એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલ પ્રણાલીએ એવી કોઈપણ વ્યક્તિને અટકાવવી જોઈએ જે માને છે કે તેઓ અપ્રમાણિક વર્તન કરીને અથવા ખોટા દાવાઓ લાવીને આપણી કાનૂની વ્યવસ્થાનો દુરુપયોગ કરી શકે છે.’’
સનમાર્કે જણાવ્યું હતું કે ‘’છ વર્ષની કાનૂની લડાઈ બાદ લોર્ડ રેન્જરના સ્વાસ્થ્ય, પ્રતિષ્ઠા અને સન માર્કના બિઝનેસીસને નોંધપાત્ર રીતે અસર થઇ હતી. અમારા સારા નામને અન્યાયી રીતે કલંકિત થવા દેવા માંગતા ન હોવાના કારણે અમે તેની સામે લડવા માટે સંકલ્પબદ્ધ હતા. અમે અમારા બિઝનેસીસ કેવી રીતે ચલાવીએ છીએ અને એમ્પલોયર તરીકે અમારી જવાબદારીઓને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ તેના પર અમને ખૂબ ગર્વ છે.’