એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે ભારતીય શીખ મહિલા કર્મચારી શ્રીમતી રમનદીપ કૌર દ્વારા કરવામાં આવેલા પજવણી અને ભેદભાવને લગતા કેસને “ઉત્તેજક” ગણાવી બ્રિટિશ શીખ ટોરી પીઅર અને ડોનર લોર્ડ રેન્જર અને તેમની ભૂતપૂર્વ કંપની, સન માર્કના સીઈઓ વિરુદ્ધ કરવામાં આવેલા £673,000ના દાવાને ફગાવી દીધો છે.
9 અને 10 જાન્યુઆરી, 2023 ના રોજ થયેલી સુનાવણી બાદ વોટફોર્ડ સ્થિત એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલે શોધી કાઢ્યું હતું કે અનામી રહેવાનો અધિકાર છોડી દેનાર મહિલાએ નિર્ણાયક પુરાવાનો નાશ કર્યો હતો. તે મહિલાએ £673,000નું વળતર માંગી દાવો કર્યો હતો કે ભારતમાં પાછા ફરવાથી તેણીને ભવિષ્યને નુકસાન થશે અને તેની કમાણીમાં ઘણો ઘટાડો થશે. આ અગાઉ અયોગ્ય બરતરફી અને ભોગ બનનાર દાવાઓ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.
એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ જજ હાયમ્સે સુનાવણી વખતે મહિલાના વર્તનને “નિંદાત્મક, ગેરવાજબી અને ત્રાસદાયક” ગણાવ્યું હતું. શ્રીમતી રમનદીપ કૌર દ્વારા કરાયેલો દાવો એક ફોન કોલ પર કેન્દ્રિત હતો જે તેણે 5 ઓક્ટોબર, 2018 ના રોજ લોર્ડ રેન્જરની જાણ વગર, ગુપ્ત રીતે મોબાઇલ પર રેકોર્ડ કર્યો હતો. જેમાં તેણીએ આક્ષેપ કર્યો હતો કે રેન્જરે તેણી સમક્ષ અપમાનજનક ટિપ્પણી કરી હતી અને એક નોટપેડ પર તેણીએ આ ઘટનાઓ રેકોર્ડ કરવાનો દાવો કર્યો હતો.
શ્રીમતી રમનદીપ કૌરે ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે તેણીએ તે મોબાઇલ ફોનને તોડી નાંખી હેઝ પાસે નદીમાં ફેંકી દીધો હતો, કેમ કે તેમાં તેણીના અને તેના પતિના લગ્ન પહેલાના અંતરંગ ફોટો હતા અને “અમારા ધર્મ અને સંસ્કૃતિમાં અમને લગ્ન પહેલાના શારીરિક સંબંધોની મંજૂરી નથી.’’ શ્રીમતી રમનદીપ કૌરે એવો પણ દાવો કર્યો હતો કે તેના પતિએ નોટપેડ સળગાવી દીધું હતું કારણ કે તે તેમાં સમાવાયેલ બાબતોથી ખૂબ નારાજ હતો.
જજને ફોન અને નોટપેડનો નાશ કરવાના કારણો “બકવાસ” અને અસ્પષ્ટ હોવાનું જણાતા તેમણે તારણ કાઢ્યું હતું કે તેણીએ કાં તો તેનો નાશ કર્યો ન હતો અને જૂઠું બોલ્યું હતું, અથવા તો કોર્ટ દ્વારા તેની ફોરેન્સિક તપાસનો આદેશ આપવામાં આવે તેવી તક હોવાની જાણ થતાં તેણે પૂરાવાનો નાશ કર્યો હશે. બની શકે છે કે તેને ખબર હશે કે આગળની તપાસ તેને નુકસાન પહોંચાડી શકે છે. જજના ચુકાદા પરથી તે સ્પષ્ટ થયું છે કે દાવેદારનું વર્તન અપેક્ષિત ધોરણ કરતાં ઘણું ઓછું હતું અને પુરાવાના નાશ વિશે મૌન રાખ્યું હતું.
જજ હાયમ્સે ચુકાદો આપ્યો હતો કે “ઉચિત સુનાવણી હવે શક્ય નથી કેમ કે રેન્જરને “ઇરાદાપૂર્વક ઉશ્કેરવામાં” આવી શકે છે અને સમગ્ર ફોન વાર્તાલાપ રેકોર્ડિંગ ક્યારેય જાહેર કરવામાં આવ્યું ન હતું.
સન માર્કે એક અખબારી યાદીમાં કહ્યું હતું કે “છેલ્લા ચાર વર્ષમાં લોર્ડ રેન્જર અને સન માર્ક પરિવાર પર અકથ્ય નુકસાન થયું છે. અમે કેસના યોગ્ય પરિણામથી ખુશ છીએ. અમે અમારી કાનૂની ટીમના શ્રીમતી સારાહ ગાર્થ અને સુસાન મેકી કેસીનો આભાર માનવા માંગીએ છીએ જેમણે અમારી સ્થિતિનો મજબૂત બચાવ કરવા માટે અથાક મહેનત કરી છે. અમે આશા રાખીએ છીએ કે એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલનો નિર્ણય અન્ય લોકો માટે અવરોધક તરીકે કામ કરી શકે છે જેઓ માને છે કે તેઓ અપ્રમાણિક વર્તન કરીને આપણી કાનૂની વ્યવસ્થાનો દુરુપયોગ કરી શકે છે. કંપની, ચેરમેન અને ડિરેક્ટરો એમ્પ્લોયર તરીકેની તેમની જવાબદારીઓને ખૂબ ગંભીરતાથી લે છે; અમે અમારી કંપની સન માર્ક લિમિટેડને કુટુંબ સંચાલિત એન્ટરપ્રાઇઝ માનીએ છીએ.’’