વેસ્ટ લંડનના ગ્રીનફર્ડ ખાતે આવેલી PBK ભારતીય રેસ્ટોરન્ટમાં થયેલા ગોળીબારમાં ગેટવે ડ્રાઈવર તરીકે લોર્ડ પેટનના જમાઇ એલ્ટન ચાર્લ્સનું નામ બહાર આવ્યું છે. પોતાના નાના સાવકા ભાઈ દ્વારા ઘડવામાં આવેલી યોજનામાં જોડાવાનો તેના પર આરોપ છે. એલ્ટન ચાર્લ્સે હોંગકોંગના ભૂતપૂર્વ ગવર્નર અને કન્ઝર્વેટિવ લાઇફ પીઅર લોર્ડ પેટનની પુત્રી લૌરા સાથે લગ્ન કર્યા છે.
કિંગ્સ્ટન ક્રાઉન કોર્ટમાં ગયા વર્ષે 6 સપ્ટેમ્બરની સાંજે બનેલા બનાવના સીસીટીવી ફૂટેજ રજૂ કરાયા હતા જેમાં એક હૂડી પહેરેલો બંદૂકધારી સફેદ વૉક્સવેગન વેનમાં આવીને 50 યાર્ડ ચાલીને રેસ્ટોરંટ તરફ જતો અને બારી પર ગોળી મારતો દેખાડવામાં આવ્યો હતો. તે સમયે રેસ્ટોરન્ટમાં બાળકો સાથેના પરિવારો બેઠા હતા. સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી.
કેન્સલ રાઇઝ, વેસ્ટ લંડનના ચાર્લ્સ પર તથા લેબોર્ન, કેન્ટના નિકોલસ ગ્રાન્ટ અને લી મોર્ગન પર શસ્ત્ર સપ્લાય કરવાનો આરોપ છે જો કે તેમણે ગન રાખવાના કાવતરાના એક આરોપને નકારી કાઢ્યો. સાઉથ વેસ્ટ લંડનના ટૂટિંગમાં રહેતા ચાર્લ્સના સાવકા ભાઈ નથેનિયલ સેન્ટ એમીએ સમાન આરોપ માટે દોષીત હોવાનું કબૂલ્યું છે. આ હુમલો નેથેનિયલ દ્વારા કરાવાયો હતો.
ચાર્લ્સ અગાઉ ફ્લોરિસ્ટ તરીકે કામ કરતો હતો અને તેની હેલ્થ જર્નાલીસ્ટ પત્ની લૌરા સાથે તેણે મે 2002માં લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્રી છે. ટ્રાયલ ચાલુ છે.