યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના અધ્યક્ષ લોર્ડ કમલેશ પટેલે જણાવ્યું હતું કે ‘’સંસ્થાના ખૂબ જ ઓછા લઘુમતી લોકો હજુ પણ કશું ખોટું થયું ન હોવાનું માને છે અને તેઓ તે દિવસોમાં પાછા ફરવા માંગે છે. હું અહીં એવા હજારો લોકોને મળ્યો છું જેઓ સાચા અને સારા લોકો છે, જેઓ યોગ્ય વસ્તુ કરવા માંગે છે.’’
રેસીઝમ કૌભાંડને પગલે યોર્કશાયરના સભ્યોએ ગયા મહિને સુધારાના પેકેજને મંજૂર કર્યું હતું, જેનાથી આ સિઝનમાં તેમના હેડિંગ્લે મેદાન પર ઈંગ્લેન્ડની આકર્ષક મેચો રમવાનો માર્ગ મોકળો થયો હતો.
ભૂતપૂર્વ સ્પિન બોલર અઝીમ રફીકે યોર્કશાયર પર કાઉન્ટી ટીમ માટે રમતી વખતે રેસીઝમનો ભોગ બન્યો હોવાનો અને તેને લીધે તે આત્મહત્યાના વિચારો તરફ પ્રેરાયો હોવાનો આરોપ મૂક્યો હતો. નવેમ્બરમાં, ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે રેસીઝમ અને બુલિઇંગના અહેવાલને પગલે હેડિંગ્લે પર આંતરરાષ્ટ્રીય મેચો યોજવાના ક્લબના અધિકારને સ્થગિત કરી દીધો હતો.