બર્મિંગહામના અગ્રણી ભૂતપૂર્વ લોર્ડ મેયર અને લેબર રાજકારણી મુહમ્મદ અફઝલ સામે મુસ્લિમ મતદારોને ખજૂર આપવા બદલ ચૂંટણીમાં વોટ મેળવવા માટે લાંચ આપવાના આરોપોસર તપાસ શરૂ કરવા આદેશ અપાયો છે. અફઝલે ગયા વર્ષે મે માસમાં યોજાયેલી કાઉન્સિલની ચૂંટણીમાં પરિણામને ઉલટાવી દેવાની માંગ કરતી કાનૂની કાર્યવાહી કરી હતી. જેમાં તેમણે દાવો કર્યો હતો કે બે વિજયી લિબરલ ડેમોક્રેટ ઉમેદવારોએ તેમના પર પ્રચાર દરમિયાન ગેરકાનૂની રીતે ભેટ આપવાનો તેમના પર ખોટો આરોપ લગાવ્યો હતો.
ડોરબેલના એક વિડિયોમાં અફઝલ અને તેના સમર્થકો મતદારોને લેબર પાર્ટીના સ્ટીકરવાળા ખજૂરના પેકેટો આપતા હોવાનું દર્શાવ્યા બાદ તેમણે તેમની ચૂંટણી અરજી પાછી ખેંચી લીધી હતી. તેઓ એસ્ટનમાં ચૂંટણી લડવા ઉભા રહ્યા હતા. જ્યાં બે લિબ ડેમ ઉમેદવારો ચૂંટાયા હતા.
78 વર્ષીય અફઝલ, 1982માં બ્રિટનના પ્રથમ ચૂંટાયેલા મુસ્લિમ પાકિસ્તાની કાઉન્સિલર બન્યા હતા. અફઝલે 2021 અને ગયા વર્ષ દરમિયાન બર્મિંગહામના લોર્ડ મેયર તરીકે સેવા આપી હતી. તેઓ 2016માં બર્મિંગહામ સેન્ટ્રલ મસ્જિદના અધ્યક્ષ હતા અને તેમણે તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરનને “ઇસ્લામોફોબ” તરીકે વર્ણવ્યા હતા.