લેસ્ટર લોર્ડ મેયર તરીકે શહેરના રૂશી મીડ વોર્ડનું પ્રતિનિધિત્વ કરતા કાઉન્સિલર ભૂપેન દવેની વરણી કરવામાં આવી છે. તેઓ મે 2025 સુધી લેસ્ટરના લોર્ડ મેયર તરીકે સેવા આપશે.

ભૂપેન દવેનો જન્મ યુગાન્ડામાં થયો હતો અને 1972માં તેમના માતા-પિતા સાથે તેઓ યુકે આવ્યા હતા. તેમણે બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સમાં બીએસસી અને પછી યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટનથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.

તેઓ સોસ્યલ વર્કર તરીકે લેસ્ટરશાયર કાઉન્ટી કાઉન્સિલમાં જોડાયા હતા. તે પછી લેસ્ટર સિટી કાઉન્સિલમાં જોડાયા હતા અને કોમ્યુનિટી કેરના ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા હતા. 1983 થી 1995 સુધી સિટી કાઉન્સિલર તરીકેની લાંબી રાજકીય કારકિર્દી ધરાવતા દવેએ હાઇફિલ્ડ્સ અને બાદમાં બેલગ્રેવ વોર્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ  સિટી કાઉન્સિલના ડેપ્યુટી લીડર હતા અને કાઉન્સિલની લગભગ તમામ સમિતિઓની અધ્યક્ષતા અને ઉપાધ્યક્ષતા કરી ચૂક્યા છે. તેમણે 2012 થી 2019 સુધી ઓડબી અને વિગસ્ટન બરો કાઉન્સિલ માટે સ્થાનિક કાઉન્સિલર તરીકે પણ સેવા આપી છે.

તેમણે વર્ષોથી શહેરમાં ઘણા સમુદાય અને વ્યવસાયિક પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. તેઓ ASRA હાઉસિંગ એસોસિએશનના સ્થાપક સભ્ય અને અધ્યક્ષ છે અને સંવેદનશીલ વૃદ્ધ લોકોમે આવાસ પૂરા પાડ્યા છે.

કાઉન્સિલર દવેએ કહ્યું હતું કે “લેસ્ટરના લોર્ડ મેયર તરીકે સેવા આપવા બદલ હું ગૌરવ અનુભવું છું. મારા સમગ્ર જીવન દરમિયાન, મેં હંમેશા તમામ સમુદાયો સાથે ન્યાયી અને સમાન વર્તન કરીને સામુદાયીક સંવાદિતાને પ્રોત્સાહન આપ્યું છે. હું લેસ્ટરને સારા સામુદાયિક સંબંધોના દીવાદાંડી તરીકે પ્રમોટ કરવા માટે તમામ ક્ષેત્રના લોકો સાથે કામ કરવા ઉત્સુક છું.’’

તેમણે ઉષાબેન સાથે લગ્ન કર્યા છે, જે તેમને સમગ્ર વર્ષ દરમિયાન લેડી મેયરેસ તરીકે ટેકો આપશે. તેમને બે પુત્રો, એક પૌત્ર અને પૌત્રી છે. કાઉન્સિલર ટેરેસા એલ્ડ્રેડ નવા ડેપ્યુટી લોર્ડ મેયર તરીકે અને કાઉન્સિલર મંજુલા સૂદ હાઈ બેલિફ તરીકે સેવાઓ આપશે.

LEAVE A REPLY