- સરવર અલમ દ્વારા
મંગળવાર તા. 5ના રોજ સેન્ટ્રલ લંડનની ભવ્ય પાર્ક પ્લાઝા હોટલ ખાતે યોજાયેલા વાર્ષિક GG2 લીડરશિપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સ સમારોહમાં બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ચેરમેન લોર્ડ જિતેશ ગઢિયાને ત્રણ દાયકાથી વધુ સમય લાંબી જાહેર અને સામુદાયિક સેવા માટે માં GG2 હેમર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ગરવી ગુજરાત અને ઈસ્ટર્ન આઈ સમાચાર સાપ્તાહિકોના પ્રકાશકો એશિયન મીડિયા ગ્રુ પ તેમજ એશિયન ટ્રેડર અને ફાર્મસી બિઝનેસ મેગેઝીન દ્વારા હોસ્ટ કરાતા GG2 લીડરશીપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સની 25મી વર્ષગાંઠે આયોજીત સમારોહમાં બ્રિટનના વંશીય લઘુમતીઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અગ્રણી રાજકારણીઓ, ઉદ્યોગસાહસિકો, સેલિબ્રિટીઓ અને સમુદાયના નેતાઓને એકસાથે લાવે છે અને બ્રિટનના વંશીય લઘુમતીઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે.
આ ગાલા ઈવેન્ટમાં GG2 પાવર લિસ્ટ 2024નું અનાવરણ પણ કરાયું હતું જે બ્રિટનમાં દેશના 101 સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી સાઉથ એશિયન લોકોની માહિતી આપે છે. વડાપ્રધાન ઋષિ સુનક સતત ત્રીજા વર્ષે રેન્કિંગમાં ટોચ પર છે.
બે વર્ષની ઉંમરે યુગાન્ડાથી શરણાર્થી તરીકે બ્રિટન આવેલા અને મુખ્ય અતિથિ, વડા પ્રધાન ઋષિ સુનકની ઉપસ્થિતીમાં તેમનો એવોર્ડ મેળવનાર લોર્ડ જિતેશ ગઢીયા સાઉથ એશિયામાં કિંગ ચાર્લ્સના ચેરિટેબલ ફાઉન્ડેશન ‘બ્રિટિશ એશિયન ટ્રસ્ટ’ના વિવિધ પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ બ્રિટનના વડાપ્રધાનો, કેબિનેટ મંત્રીઓ અને દેશના કેટલાક સૌથી વરિષ્ઠ લોકોના વિશ્વાસુ પણ રહ્યા છે.
AMGના મેનેજિંગ એડિટર, કલ્પેશ સોલંકીએ જણાવ્યું હતું કે “આ પુરસ્કારો 1999માં તમામ વંશીય પ્રતિભાઓની સિદ્ધિઓની ઉજવણી કરવા અને ઓળખવા માટે શરૂ કરાયા હતા, ખાસ કરીને જેમણે ગ્લાસ સીલીંગ તોડી છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સફળતા મેળવી છે. આ પુરસ્કારો આધુનિક બ્રિટનમાં વિવિધ પ્રતિભાઓ અને કેવી રીતે સખત મહેનત અને નિષ્ઠાવાન પ્રયત્નોથી આપણે મહાન સફળતા હાંસલ કરી શકીએ તેનો એક શો કેસ છે. વિવિધતા મહત્વપૂર્ણ છે કારણ કે તે વધુ સારા પરિણામો તરફ દોરી જાય છે. તે આપણને અન્ય લોકો વિશે જાણવામાં મદદ કરે છે અને આપણને જાણ કરવામાં અને આપણા દૃષ્ટિકોણને આકાર આપવામાં મદદ કરે છે. પરંતુ વધુ મહત્વની વાત એ છે કે ન્યાયી અને સમાન સમાજ બનાવવા માટે વિવિધતા જરૂરી છે.’’
મુખ્ય સેપોન્સર પ્લાડિસના યુકે અને આયર્લેન્ડના મેનેજિંગ ડિરેક્ટર ડેવિડ મુરેએ કહ્યું હતું કે “GG2 લીડરશીપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સ એ પ્રેરણાનો સ્ત્રોત છે, જે આપણા પ્રોફેશનલ અને વ્યક્તિગત જીવનના દરેક પાસાઓમાં સમાવેશ અને સમાનતાના મહત્વને વધુ મજબૂત કરવા માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે.”
આ સમારોહમાં કુલ 24 એવોર્ડ એનાયત કરાયા હતા.
એશિયન મીડિયા ગ્રુપના દિવંગત સ્થાપક અને એડિટર-ઈન-ચીફ શ્રી રમણિકલાલ સોલંકીના માનમાં ‘GG2 રામ સોલંકી બીકન એવોર્ડ’ લોર્ડ નવનીત ધોળકિયાને બ્રિટન અને વંશીય સમુદાયોમાં તેમના અસાધારણ યોગદાન બદલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે બ્રિટીશ પાર્લામેન્ટના ઉપલા ગૃહ હાઉસ ઓફ લોર્ડ્ઝમાં લગભગ ત્રણ દાયકામાં, નીતિના તમામ ક્ષેત્રોમાં ભાગ લઈને નિઃસ્વાર્થપણે પોતાના સમુદાય અને સૌથી વધુ જરૂરિયાતવાળા લોકો માટે સૌથી વધુ સક્રિય સાથી તરીકે સેવાઓ આપી હતી.
પોસ્ટ ઓફિસ હોરાઇઝન કૌભાંડમાં ફસાયેલા સબપોસ્ટમાસ્ટર્સે તેમના પર ચોરી અને છેતરપિંડીનો ખોટો આરોપ મૂકાયા પછી પોતાના નામ સાફ કરવા દર્શાવેલી હિંમત બદલ ‘GG2 સ્પિરિટ ઇન કોમ્યુનિટી એવોર્ડ’ મેળવ્યો હતો.
શુક્રવાર તા. 8 માર્ચના રોજ આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે સુસંગત રીતે સંખ્યાબંધ નોંધપાત્ર મહિલાઓને તેમની સિદ્ધિઓ માટે આ સમારોહમાં માન્યતા આપવામાં આવી હતી.
‘GG2 CEO ઓફ ધ યર એવોર્ડ’ રીજન્ટ કૉલેજ, લંડનના એકેડેમિક રજિસ્ટ્રાર અને CEO દર્શિની પંકજને એનાયત કરાયો હતો. પંકજ અને તેમના પતિ સેલ્વા પંકજ, તેમના ‘થીંકીંગ ઇન ટૂ કેરેક્ટર’ વિભાવના દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે જે શિક્ષણ પ્રત્યેના તેમના અભિગમને માર્ગદર્શન આપે છે. શ્રીલંકામાં જન્મેલા દર્શિનીએ શાબ્દિક રીતે પરિવર્તનકારી, આજીવન અને સમર્પિત શિક્ષણ વિશેના તેમના વિચારોને વ્યવહારમાં મૂક્યા હતા. જે અન્ય લોકો માટે માળખાગત શિક્ષણમાં અદભૂત રહ્યા હતા. રીજન્ટ ગ્રૂપ એ યુકેમાં સૌથી ઝડપથી વિકસતી શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે, અને હવે તેમની કલ્પનાને વિદેશમાં લઈ જવાની યોજના છે.
રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સ (RCGP) કાઉન્સિલના અધ્યક્ષ કમિલા હોથોર્નને ‘GG2 વુમન ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. લગભગ 35 વર્ષથી પ્રેક્ટિશનર તરીકે સેવા આપતા હોથોર્ન યુવાન GPને તાલીમ આપે છે અને આરોગ્યની અસમાનતાઓ, ડાયાબિટીસ અને હૃદયરોગ માટેના અગ્રણી સંશોધન પ્રોજેક્ટ્સનું તેમણે નેતૃત્વ કર્યું છે. લઘુમતી વંશીય સમુદાયો સાથેના તેમના કાર્ય માટે બે વખત ‘જીપી ઓફ ધ યર એવોર્ડ’ આપવામાં આવ્યો છે.
ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)ના ચિફ પ્રોસિક્યુટર તથા યુવાનો માટે પ્રેરણાદાયી રોલ મોડેલ, મહત્વાકાંક્ષી, અને વૈવિધ્યસભર સોલીસીટર જસવંત કૌર નરવાલને તેમની કામગીરીમાં વિવિધતા અને સમાવેશના પાલન અને પોતાના કાર્યો દ્વારા હકારાત્મક અસર ઉભી કરવા બદલ ‘GG2 ઇન્સ્પાયર એવોર્ડ’ અર્પણ કરાયો હતો.
નુરીન ગ્લેવસને સમુદાયોને તંદુરસ્ત, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખોરાક પ્રદાન કરતા ‘ફૂડ મી ગુડ બદલ ‘GG2 અચીવમેન્ટ થ્રુ એડવર્સિટી એવોર્ડ’ એનાયત કરાયો હતો. પ્રિન્સેસ ટ્રસ્ટની કેટલીક મદદ અને તાલીમ દ્વારા નુરીન ગ્લેવ્સે પોષણ અને સુખાકારી દ્વારા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના સ્વાસ્થ્યને સુધારવા માટે ફૂડ મી ગુડની સ્થાપના કરી છે. જે પોતાને યોગ્ય રીતે ખવડાવવા માટે સંઘર્ષ કરતા યુવાનો અને સમુદાયને મદદ કરે છે.
ગયા વર્ષે ઓગસ્ટમાં દસ વર્ષની સારા શરીફના દુ:ખદ અવસાન સહિતના મુખ્ય સમાચાર – એજન્ડાનું નેતૃત્વ કરનાર અને વિવિધ ઇન્ટરવ્યુ અને વિશ્લેષણ માટે સ્કાય ન્યૂઝના પત્રકાર સબાહ ચૌધરીને ‘GG2 યંગ જર્નાલિસ્ટ’ એવોર્ડ એનાયત કરાયો હતો.
‘GG2 મેન ઓફ ધ યર એવોર્ડ’ યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહામ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના ગ્રુપ ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર કિરણ પટેલને એનાયત કરાયો હતો. કન્સલ્ટન્ટ અને ખૂબ જ માંગ ધરાવતા કાર્ડિયોલોજિસ્ટ હોવા છતાં, પટેલ પાસે મેનેજરીયલ રોલનો પણ ઘણો અનુભવ છે. તેમણે આરોગ્યની અસમાનતાઓ પર ઘણું કામ કર્યું છે, અને 2020માં તેમણે સૌપ્રથમ કોવિડ -19 પ્રિસ્ક્રાઇબ કરી હતી.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને બેંક ઓફ ધ યર એવોર્ડ એનાયત કરાયો હતો.
GG2 બ્લોસમ એવોર્ડ વેસ્ટ લંડનના સાઉથોલના મેરિક રોડ પર આવેલા બિક્સલી ફીલ્ડ એલોટમેન્ટ્સને આપવામાં આવ્યો હતો. તે આધુનિક બ્રિટનની શ્રેષ્ઠતા દર્શાવવા માટે ઓળખાય છે જ્યાં શીખ, હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓ બાગ કામ માટેના તેમના જુસ્સા અને જ્ઞાનને વહેંચે છે. તેઓ પ્લોટમાં ઉગેલ શાકભાજી સ્થાનિક ગુરુદ્વારાને દાનમાં આપે છે, જે સમુદાયને મફતમાં ભોજન પૂરું પાડે છે.
GG2 લીડરશીપ અને ડાયવર્સિટી એવોર્ડ્સમાં 700થી વધુ લોકોએ હાજરી આપી હતી, જેમાં વિવિધતા, સમાનતા અને સમાવેશને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો માટે કંપનીઓને પણ એવોર્ડ એનાયત કરાયા હતા.
કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ અને યુનિવર્સિટી કોલેજ, લંડન હોસ્પિટલ્સના સહયોગી પ્રોફેસર ડૉ. હાદી મનજીને GG2 આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઇન મેડિસિન એવોર્ડ અપાયો હતો. HIV અને Covid-19નો ચેપ મગજ પર કેવી અસર કરી શકે છે તેનો અભ્યાસ કર્યો છે. મનજીએ અસંખ્ય પુસ્તકો પ્રકાશિત કર્યા છે અને તે ઓક્સફર્ડ હેન્ડબુક ઓફ ન્યુરોલોજીના મુખ્ય લેખક અને સંપાદક છે.
‘કૂલેશ શાહ ફાઉન્ડેશન’ના સ્થાપક કૂલેશ શાહને GG2 સોશ્યલ એન્ટ્રપ્રિન્યોર ઑફ ધ યરનો એવોર્ડ એનાયત કરાયો હતો. તેમણે ત્રણ મુખ્ય સ્તંભો – પરોપકાર, ટેક્નોલોજી અને રિયલ એસ્ટેટ સાથે મલ્ટિ-મિલિયન પાઉન્ડના બિઝનેસ લંડન ટાઉન ગ્રૂપને બનાવ્યું છે. તેઓ પરોપકારી અને વ્યાપારી પ્રવૃત્તિઓને સમાવિષ્ટ કરતા પરિવારના વડા છે. શાહે શ્રી અરબિંદો ટ્રસ્ટની પણ સ્થાપના કરી છે અને મહાન ભારતીય ફિલસૂફ, યોગી અને કવિના આજીવન ભક્ત રહ્યા છે.
GG2 રાઇઝિંગ સ્ટાર એવોર્ડ અમીત જોગિયાને અપાયો હતો. તેમણે બાળપણમાં ઘરવિહોણા હોવાનો અનુભવ કર્યા પછી કાઉન્સિલ એસ્ટેટમાં ઉછેર થયા બાદ અન્ય લોકોને મદદ કરવા માટે સંકલ્પબદ્ધ બન્યા હતા. તેમણે હેરોમાં કાઉન્સિલર, મેજિસ્ટ્રેટ અને સ્કૂલ ગવર્નર તરીકે સેવા આપી છે. ગયા વર્ષે તેમને નોર્થ વેસ્ટ લંડનના હેન્ડન માટેના કન્ઝર્વેટિવ સંસદીય ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે ડાઉનિંગ સ્ટ્રીટ ટીમમાં જોડાતા પહેલા લોર્ડ પોપટના ચીફ ઓફ સ્ટાફ તરીકે કામ કર્યું છે અને બે વડાપ્રધાનોની સેવા કરી છે.
સમાનતા, વિવિધતા અને સમાવેશમાં અસાધારણ કાર્યો માટે વ્યક્તિઓ અને સંસ્થાઓને સમર્પિત નવ એવોર્ડ એનાયત કરાયા હતા. પુરસ્કારોનો આ સમૂહ એવા લોકોની સરાહના કરે છે જેઓ શ્રેષ્ઠ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપે છે અને નવીન વિચારો સાથે, ન્યાયી અને વધુ ન્યાયી સમાજનું નિર્માણ કરે છે.
આ એવોર્ડના વિજેતાઓમાં મોન્ડેલેઝ ઇન્ટરનેશનલ હતું, જેણે GG2 ઇક્વાલીટી, ડાયવર્સિટી અને ઇન્ક્લુઝન (ED & I) ઇનીશીએટીવ એવોર્ડ જીત્યો હતો. કંપનીના પોર્ટફોલિયોમાં કેડબરી અને ઓરિયો જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે.
વિશ્વના અગ્રણી કન્ફેક્શનરી ઉત્પાદકોમાંની એક, પરફેટીના એમ્મા લોકને GG2 ડાયવર્સિટી ચેમ્પિયન ઓફ ધ યર એવોર્ડ અપાયો હતો. લોકે મેનોપોઝ પોલિસી સહિત કંપનીના સંચાલનની રીતમાં ગહન ફેરફારો કર્યા છે. એક બાહ્ય સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે લગભગ 50 ટકા પરફેટી કર્મચારીઓ ED અને I પહેલને વધુ સારી રીતે સમજે છે અને તેને અમલમાં મૂકવા માટે મજબૂત સ્થિતિમાં અનુભવે છે.
GG2 ડાયવર્સ એમ્પ્લોયર ઓફ ધ યર એવોર્ડ બેસ્ટવે હોલસેલને મળ્યો હતો. તેની વિવિધતા હોલસેલ ડેપો ફ્લોરથી લઈને એક્ઝિક્યુટિવ સ્યુટ સુધી વિસ્તરેલી છે, અને તે મોટાભાગે ઘરેલું પ્રતિભા પર આધાર રાખે છે, જે ઘણીવાર દુકાનના ફ્લોરમાંથી લોકોને મેનેજમેન્ટમાં લઈ જાય છે. કંપનીના ટેલેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં 40 ટકા મહિલાઓ એવા સેક્ટરમાં છે જ્યાં થોડી મહિલાઓ સાહસ કરતી હતી. બેસ્ટવે હોલસેલ 50 વર્ષથી વધુ ઉંમરના 55 ટકા કર્મચારીઓ સાથે તમામ ઉંમરના લોકોને પણ રોજગારી આપે છે.
અન્ય વિજેતાઓમાં વેસ્ટકોમ્બ ગ્રુપ, થેમ્સ વેલી પોલીસ; લંડન નોર્થ વેસ્ટ NHS ટ્રસ્ટ; મીડિયારીચ; ઓએમજી યુનાઈટ; અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. નિક્કી બેદી દ્વારા સંયોજિત કાર્યક્રમના મહેમાનોએ ભારતમાં ડીવાઇન શક્તિ ફાઉન્ડેશનને ઉદારતાથી દાન આપ્યું હતું જે ભારતમાં વંચિત બાળકોને સેવા આપે છે.
એવોર્ડમા પ્રાયોજકોમાં પ્લાડીસ, બેસ્ટવે, ડેઈલી મેઈલ, ધ ફેરવ્યુ હોટેલ કલેક્શન, નેશનલ ટ્રસ્ટ, રાન્ડલસન કેપિટલ, રીજન્ટ ગ્રુપ, રોયલ હોર્ટીકલ્ચરલ સોસાયટી, રોયલ એર ફોર્સ, રોયલ નેવી, વેસ્ટકોમ્બ ગ્રુપ અને ઝીનો સમાવેશ થાય છે.
• GG2 પાવર લિસ્ટ 2024ની નકલ મેળવવા માટે, સૌરિન શાહને 020 7928 1234 પર કૉલ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરવા વિનંતી.