1970ના દાયકામાં એક છોકરા સામે ગંભીર જાતીય હુમલો કરવાના અને એક નાની છોકરી પર બળાત્કારનો પ્રયાસ કરવાના બે કાઉન્ટ બદલ ભૂતપૂર્વ લેબર પીઅર લોર્ડ અહેમદને કોર્ટમાં દોષિત જાહેર કરાયા છે. શેફિલ્ડ ક્રાઉન કોર્ટમાં યોજાયેલા ટ્રાયલ પછી, ફેબ્રુઆરી માસમાં તેમને સજા સંભળાવવામાં આવશે.
લોર્ડ અહેમદ જ્યારે કિશોર વયના હતા ત્યારે રોધરહામમાં થયેલા જાતીય શોષણ અંગે તેમની સામે સુનાવણી ચલાવાઇ હતી. 64 વર્ષીય નઝીર અહેમદે કોર્ટમાં રજૂ થયેલા આરોપોને નકારી કાઢ્યા હતા. લોર્ડ અહેમદ પર તેના બે મોટા ભાઈઓ, મોહમ્મદ ફારુક, 71, અને મોહમ્મદ તારિક, 65, સામે પણ આરોપ મૂકવામાં આવ્યા હતા, પરંતુ તે બંનેને સુનાવણી માટે અયોગ્ય માનવામાં આવ્યા હતા. પરંતુ બંને ભાઇઓએ લોર્ડ અહેમદ દ્વારા દુર્વ્યવહાર કરાયેલ છોકરા સામે અશ્લીલ હુમલો કર્યો હોવાના આરોપોનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ફોજદારી ટ્રાયલનો સામનો કરવો પડ્યો ન હતો. જજોએ તારણ કાઢ્યું હતું કે તેમણે આ કેસમાં પુરાવા સાંભળ્યા પછી કથિત કૃત્યો કર્યા હતા.
ટ્રાયલ દરમિયાન, ફરિયાદી ટોમ લિટલ, ક્યુસીએ કોર્ટને જણાવ્યું હતું કે લોર્ડ અહેમદે 1970ના દાયકાની શરૂઆતમાં એક છોકરી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તેઓ 16 કે 17 વર્ષના હતા પરંતુ તે છોકરી ઘણી નાની હતી. તે સમયે 11 વર્ષથી ઓછી ઉંમરના એક છોકરા પર પણ તે જ સમયગાળા દરમિયાન હુમલો થયો હતો.
મિસ્ટર લિટલ જણાવ્યું હતું કે લોર્ડ અહેમદે દાવો કર્યો હતો કે આરોપો “દુર્ભાવનાપૂર્ણ કાલ્પનિક” હતા. પરંતુ બે પીડિતો વચ્ચેની 2016ની વાતચીતના ફોન રેકોર્ડિંગ દર્શાવે છે કે તેઓ “બનાવટ અથવા ઉપજાવી કાઢેલા” ન હતા.
જ્યુરીમાં રજૂઆત કરાઇ હતી કે મહિલાના કૉલને પુરૂષ પીડિત તરફથી એક ઇમેઇલ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે: “મારી પાસે તે પેડોફાઇલ વિરુદ્ધ પુરાવા છે.”
પુનઃ સુનાવણી બાદ દોષિત ઠેરવવામાં આવેલા લોર્ડ અહેમદે નવેમ્બર 2020માં હાઉસ ઓફ લોર્ડ્સમાંથી રાજીનામું આપ્યું હતું. કન્ડક્ટીંગ કમીટીએ અહેવાલમાં તારણ કાઢ્યું હતું કે લોર્ડ અહેમદે તેમની મદદ માંગતી એક સંવેદનશીલ મહિલાનું જાતીય અને ભાવનાત્મક રીતે શોષણ કર્યું હતું. બીબીસી ન્યૂઝનાઈટની તપાસ બાદ તેમના વર્તનની તપાસ કરવામાં આવી હતી.
આ અહેવાલમાં તેમને લોર્ડ્ઝમાંથી હાંકી કાઢવા માટે ભલામણ કરાઇ હતી. પરંતુ તેનો અમલ કરાય તે પહેલા જ તેમણે પીઅર તરીકે રાજીનામું આપી દીધું હતું.
ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના સ્પેશિયલ ક્રાઈમ ડિવિઝનના વડા રોઝમેરી આઈન્સલીએ જણાવ્યું હતું કે “આ ચુકાદાઓ દ્વારા જ્યુરીએ સ્પષ્ટપણે નક્કી કર્યું છે કે ગુનાઓ અને ટ્રાયલ વચ્ચેના વિલંબને ધ્યાનમાં લીધા વિના, અને બચાવમાં થયેલ રજૂઆતો છતાં, તેઓ ખાતરી કરી શકે છે કે પીડિતો દ્વારા રજૂ કરાયેલ બાબતો વિશ્વસનીય અને સાચી હતી.’’
“આમાંના એક પ્રતિવાદીએ હાઉસ ઓફ લોર્ડ્સમાં થોડા સમય માટે સત્તા, પ્રભાવ અને જવાબદારીનો હોદ્દો સંભાળ્યો હતો પરંતુ આ કેસ સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્યાં પૂરતા પુરાવા છે, પડકારજનક કેસોમાં પણ, CPS કેસ ચલાવશે, જ્યુરી સમક્ષ પુરાવા રજૂ કરશે અને સાચો ચુકાદો મેળવશે.”
ન્યાયાધીશ, મિસ્ટર જસ્ટિસ લવંડરે, 4 ફેબ્રુઆરીએ સજા માટે તે જ કોર્ટમાં હાજર રહેવા માટે લોર્ડ અહેમદને જામીન આપ્યા હતા.
લોર્ડ નઝીર પર અન્ય ગંભીર આરોપોની ભરમાર
નઝીર અહેમદને 2009માં અવિચારી ડ્રાઇવિંગ અકસ્માત માટે દોષી ઠેરવી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. નઝીરે તેની જેગ્વાર કાર ચલાવતી વખતે ટેક્સ્ટ સંદેશાઓ મોકલ્યા હતા અને એમ-વન મોટર વે પર ઉભી રહેલા કાર સાથે પોતાની કાર અથડાવી તેના ડ્રાઇવરનું નોત નિપજાવ્યું હતું. 2013માં, નાઝિરે તે અકસ્માતને “યહૂદી કાવતરું” ગણાવ્યું હતું. જે ટિપ્પણીને લીધે લેબર પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા અને વર્ષના અંતે તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું.
2019માં, નઝીર અહેમદ પર “નિર્બળ મહિલાની સાથે સંભોગ કરી પોતાના હોદ્દાનો ફાયદો ઉઠાવ્યો હોવાનો આરોપ પણ કરાયો હતો. તેમની સહાય માંગવા ગયેલી મહિલાએ લોર્ડ અહમદના વર્તન વિશે લોર્ડ્સના કમિશનર ફોર સ્ટાન્ડર્ડ્સ સામે ફરિયાદ કરી હતી.
ભારતમાં લઘુમતીઓ સુરક્ષિત નથી, કાશ્મિરની સ્વતંત્રતા અને ખાલિસ્તાનની હાકલ કરવા માટે 2018માં ભારતના સ્વાતંત્ર્ય દિને નઝીર અહેમદે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર યોજેલા વિરાટ વિરોધ પ્રદર્શનમાં ઘર્ષણ ફાટી નીકળ્યું હતું. કલમ 37૦ રદ થયા પછી, નઝીરે આક્ષેપ કર્યો હતો કે જમ્મુ-કાશ્મિરમાં ભારતનો હેતુ ભાજપ / આરએસએસના લોકોને સ્થાયી કરવા માટે ડેમોગ્રાફીક ચેન્જીસ કરવાનો છે.
નઝીર અહેમદે યુકે પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી કાશ્મિર ગૃપના વડા રહી ચૂક્યા છે. જે સંસ્થા “કાશ્મિરી લોકોના આત્મનિર્ભરતાના અધિકાર”નું સમર્થન કરે છે.
હાઉસ ઑફ લોર્ડ્સમાં 1998માં પીઅર તરીકે નિયુક્તિ પામનાર પ્રથમ મુસ્લિમ લોર્ડ નઝીરનો જન્મ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિરમાં થયો હતો. બાળપણમાં યુકે આવેલા નઝીર અહેમદ ભારત સરકારની નીતિઓ, ખાસ કરીને જમ્મુ-કાશ્મિરના સંદર્ભમાં ભારતના સખત ટીકાકાર અને ખાલિસ્તાની જૂથોના સમર્થક રહ્યા છે.