ભારતમાંથી લૂંટીને બ્રિટન લઈ જવાયેલી અમૂલ્ય કલાકૃતિઓ અને જર-ઝવેરાતમાં કોહિનૂર હીરાનો પણ સમાવેશ થાય છે જેને ભારત સરકાર પાછો મેળવવા માંગે છે. આ હીરો 1849થી બ્રિટનના શાહી પરિવારના કબ્જામાં છે. પર્શિયનમાં કોહ-એ-નૂર અથવા પ્રકાશના પર્વત તરીકે ઓળખાતા કોહિનૂર હીરાને ગયા અઠવાડિયે યોજાયેલા રાજ્યાભિષેક વખતે રાણી કેમિલાએ ભારત સાથે વિવાદ થવાની શક્યતાઓને પગલે મુકુટ માટે પસંદ કર્યો ન હતો. તેમણે વૈકલ્પિક હીરાને પસંદ કર્યો હતો.
અંગ્રેજોએ તે સમયે મહારાજા દિલિપ સિંહને લાહોર સંધિ પર સહી કરવા માટે ફરજ પાડી હતી અને ત્યારે મહારાજાની વય માત્ર 10 વર્ષની હતી. અંગ્રેજોએ તેમની પાસેથી 105-કેરેટનો કોહિનૂર પડાવી લીધો હતો અને પંજાબના જોડાણ પછી રાણી વિક્ટોરિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પહેલી વખત ક્વીન વિક્ટોરિયાએ કોહિનૂરને પોતાના બ્રોચમાં લગાવ્યો હતો. 105-કેરેટનો કોહીનૂર હીરો એક સમયે મુઘલ સમ્રાટોના પીકોક થ્રોન પર રખાતો હતો. તે પછી તેને રાણી મેરીના તાજને શણગાર્યો હતો.
બ્રિટીશર્સે પડાવી લીધેલા આ હીરા અંગે બ્રિટિશ ઈતિહાસકારોનુ કહેવુ છે કે, તે ભારત તરફથી બ્રિટનને ભેટમાં મળ્યો હતો અને ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા બાદમાં તેને રાજવી પરિવારને સુપરત કરી દેવાયો હતો.
ભારતીય કલાકૃતિઓને પરત આપો
- માનવામાં આવે છે કે નેશનલ ટ્રસ્ટ કાયદેસર રીતે ભારતીય કલાકૃતિઓને પરત સોંપી શકે છે જેમાંથી ઘણી વેલ્સમાં પોવિસ કાસલના ક્લાઇવ ઓફ ઇન્ડિયાની કંટ્રી સીટ પર રાખવામાં આવી છે.
- તાજેતરના વર્ષોમાં ગ્રીસે એલ્ગિન માર્બલ્સ અને નાઈજીરિયાએ બેનિન બ્રોન્ઝની માંગ કરી હતી.
- 1947 અને 2014ની વચ્ચે ભારતમાંથી લેવામાં આવેલી 13 વસ્તુઓને પરત મોકલવામાં આવી હતી. પણ 2014માં મોદી વડા પ્રધાન બન્યા પછી કુલ 300 કલાકૃતિઓ પરત થઇ છે.