લંડનના વિખ્યાત લંડન ઝૂમાં ગત 13 માર્ચ 2024ના રોજ સાત વર્ષની માતા આર્યાએ લુપ્ત કહી શકાય તેવા ત્રણ એશિયાટિક સિંહબાળને જન્મ આપ્યો હતો. જેમના પિતા 14 વર્ષના ભાનુ છે. ઝી કીપર્સે છુપાયેલા કેમેરા દ્વારા માતા આર્યાની પ્રસુતી પર નજર રાખી હતી અને બધું બરાબર પાર પડ્યું હતું.
નવજાત સિંહના બચ્ચાઓની ત્રિપુટી ભલે અત્યારે નાની હોઈ શકે છે પરંતુ તે પ્રાણી સંગ્રહાલયમાં એશિયાટિક સિંહોની વિશાળ સંરક્ષણ સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ જન્મને પગલે એશિયાટીક સિંહો માટેના સંરક્ષણ સંવર્ધન કાર્યક્રમને એક વિશાળ પ્રોત્સાહન મળ્યું છે. એશિયાટિક સિંહો હવે માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે અને હાલની વસ્તીના અંદાજો સૂચવે છે કે માત્ર 600 થી 700 એશિયાટિક સિંહો બચ્યા છે.
લંડનમાં જન્મેલા બચ્ચા આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો ભાગ જ નથી પરંતુ તેમનો જન્મ વિશ્વભરના વન્યજીવોના રક્ષણમાં મદદ કરવા માટે લાખો લોકોને પ્રેરિત કરવામાં મદદ કરશે.
લંડન ઝૂના હેડ બિગ કેટ કીપર કેથરીન સેન્ડર્સે કહ્યું હતું કે “અમને જાણે કે ચંદ્ર ઉપર પહોંચી ગયા છીએ એવી અનુભૂતિ થાય છે. આર્યા તેના ત્રણ બચ્ચા માટે એક ડોટિંગ મમ સાબિત થઈ રહી છે, અને અમે અમારા છુપાયેલા કબકેમ દ્વારા કેટલીક હ્રદયસ્પર્શી ક્ષણોનું અવલોકન કરી શક્યા છીએ. અમે બચ્ચાના પ્રથમ વખત દુધ પીવાથી લઇને તેમના પ્રથમ પગલાં સુધીની પળો રેકોર્ડ કરી છે. તેઓ દરરોજ વધુ મજબૂત થઈ રહ્યા છે અને અમે તેમની પ્રગતિથી ખુશ છીએ. ત્રણેય બચ્ચાઓએ અત્યાર સુધીનો બધો સમય તેમની કસ્ટમ-બિલ્ટ કબિંગ ડેનમાં માતા સાથે વિતાવ્યો છે અને 10 દિવસ પછી તેમની આંખો ખોલી છે.’’
ત્રણેય બચ્ચાઓના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. પશુચિકિત્સકની તપાસ અને રસીકરણ સુધી તેઓ નર છે કે માદા તેની પુષ્ટિ રખેવાળ કરી શકતા નથી. તેની માહિતી તેઓ લગભગ 10 થી 11 અઠવાડિયાના થશે ત્યારે ખબર પડશે.
જુઓ વિડીયો: https://www.youtube.com/watch?v=TGg2tWmP5gg&t=54s
(સૌજન્ય: લંડન ઝૂ)