ઇસ્ટ લંડનના હેનોલ્ટ ટ્યુબ સ્ટેશન નજીક મંગળવારે તા. 30ની સવારે એક મકાનમાં વાહન ઘુસાડ્યા બાદ એક યુવાને તલવારબાજી કરી 14 વર્ષીય ડેનિયલ એન્જોરીનનું મોત નિપજાવ્યું હતું અને બે પોલીસ અધિકારીઓ સહિત અન્ય પાંચ લોકોને ઘાયલ કર્યા હતા. પોલીસે 36 વર્ષીય માર્કસ ઓરેલિયો અર્ડુની મોન્ઝોની ધરપકડ કરી હતી. પોલીસે તેના પર હત્યાનો આરોપ મૂકી ગુરુવારે બાર્કિંગસાઇડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાશે.
બે નાગરિકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અને સદનસીબે તેમની ઇજાઓ જોખમી નથી. બે મેટ પોલીસ અધિકારીઓ પણ છરાના ઘાની નોંધપાત્ર ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે જે બંનેને શસ્ત્રક્રિયાની જરૂર છે. બનાવ બાદ પોલીસ અને લંડન એમ્બ્યુલન્સ સેવાનો કોફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી નજીકના ટ્યુબ સ્ટેશનને બંધ કરી દીધું હતું.
વડા પ્રધાન ઋષિ સુનકે તેને “ચોંકાવનારી ઘટના” ગણાવતા કહ્યું હતું કે ‘’દેશની શેરીઓમાં આવી હિંસાને કોઈ સ્થાન નથી. આ એક આઘાતજનક ઘટના છે. મારા વિચારો અસરગ્રસ્તો અને તેમના પરિવારો સાથે છે. હું ઇમરજન્સી સેવાઓનો આભાર માનું છું અને પોલીસે ઘટનાસ્થળે બતાવેલ અસાધારણ બહાદુરીની સરાહના કરૂ છું.”
હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ X પર કહ્યું હતું કે ‘’મને આ ઘટના અંગે નિયમિતપણે અપડેટ કરવામાં આવી રહ્યો છે. મારા વિચારો અસરગ્રસ્ત લોકો સાથે છે. હું લોકોને અનુરોધ કરીશ કે તેઓ ઑનલાઇન ફૂટેજ શેર ન કરે અને પોલીસને સંબંધિત માહિતી આપે.”
બનાવને નજરે જોનાર લોકોએ જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિએ એક ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો તે પહેલાં પોલીસે તેને ટેઝર કર્યો હતો. તે પહેલા પોલીસને જાણ કરાઇ હતી કે ઇસ્ટ લંડનના થર્લો ગાર્ડન્સ ખાતે એક મકાનમાં વાહન ઘૂસાડવાનો પ્રયાસ કરાયો હતો. સોશિયલ મીડિયા પરના વિડિયો ફૂટેજમાં દાઢીવાળો શંકાસ્પદ વ્યક્તિ મોટી બ્લેડવાળી તલવાર સાથે ઝાડીઓમાં ફરતો દેખાયો હતો.
લંડનના મેયર સાદિક ખાને ઇમરજન્સી સેવાઓની તેમની ઝડપી કાર્યવાહી માટે પ્રશંસા કરતાં કહ્યું હતું કે “પોલીસ અને ઇમરજન્સી સેવાઓએ આપણાં શહેરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને અન્યોને બચાવવા માટે જોખમ તરફ દોડી રહ્યા છીએ. હું મારા હૃદયથી તેમનો આભાર માનું છું.”
મેટ પોલીસના ઈસ્ટ એરિયા કમાન્ડ માટે સ્થાનિક પોલીસિંગનું નેતૃત્વ કરતા ચીફ સુપરિન્ટેન્ડેન્ટ સ્ટુઅર્ટ બેલે કહ્યું હતું કે ‘’ખૂબ જ દુઃખ સાથે હું પુષ્ટિ કરું છું કે ઘાયલ થયેલા લોકોમાંથી એક, 13 વર્ષનો છોકરો મૃત્યુ પામ્યો છે. તલવાર વાગ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવાયો હતો અને થોડા સમય બાદ તેનું દુઃખદ અવસાન થયું હતું. બાળકના પરિવારને ખાસ પ્રશિક્ષિત અધિકારીઓ દ્વારા ટેકો આપવામાં આવે છે. અમે 36 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. સવારે 7 વાગ્યાના થોડા સમય પહેલા પોલીસને પ્રથમ કોલ મળ્યાની 22 મિનિટ પછી તેને પકરડવામાં આવ્યો હતો. હાલમાં અમે માનતા નથી કે વ્યાપક સમુદાય માટે કોઈ સતત ખતરો છે, અમે વધુ શંકાસ્પદોની શોધમાં નથી અને આ ઘટના આતંકવાદથી સંબંધિત હોય તેવું લાગતું નથી.’’
તેમણે કહ્યું હતું કે ‘’હું અમારા પોલીસ અધિકારીઓ અને અન્ય ઇમરજન્સી સેવાઓની અતુલ્ય બહાદુરીની પ્રશંસા કરું છું જેઓ આજે સવારે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હું કોઈપણ માહિતી ધરાવનારને 101 પર કૉલ કરવા વિનંતી કરૂ છું.’’