કોવિડ રોગચાળાના કારણે આવનારા આર્થિક પતન અને ઘરેથી કામકાજ કરવામાં વધારો થવાની સંભાવનાને પગલે લંડનની વસ્તીમાં છેલ્લા 30૦ વર્ષોમાં પહેલીવાર ઘટાડો થવાની શક્યતાઓ છે. આ વર્ષે રાજધાનીની વસ્તી 300,000થી વધુ ઘટી શકે છે.
એકાઉન્ટન્સી ફર્મ PwCએ જણાવ્યું હતું કે આ વર્ષે રાજધાનીમાં રહેતા લોકોની સંખ્યા રેકોર્ડ સ્તરે 2020માં લગભગ 9 મિલિયન પરથી 8..7 મિલિયન થઇ જશે. લોકડાઉનને પગલે લંડનવાસીઓએ તેમની રહેવાની પરિસ્થિતિઓ પર પુનર્વિચાર કર્યો છે અને રોગચાળા દરમિયાન ઘરેથી કામકાજ કરનારા લોકોની વધતી સંખ્યાને પગલે લોકો અન્યત્ર સ્થળાંતર કરવાનું વિચારે છે. બીજુ કારણ એ છે કે દેશના બીજા ભાગોમાંથી લંડન આવીને વસનારા ગ્રેજ્યુએટ યુવાનોની સંખ્યા ઓછી થઇ રહી છે. રોગચાળા અને બ્રેક્ઝિટના પરિણામે પછી રાજધાનીમાં નોકરીની ઓછી તકોને કારણે લોકોનું આકર્ષણ ઘટશે. 2016ના બ્રેક્ઝિટ વોટ પછીથી સમગ્ર યુકેમાં ઇયુનું નેટ સ્થળાંતર ઘટી ગયું છે અને હવે તે નકારાત્મક થઈ શકે છે.
PwC એ કહ્યું હતું કે યુકેમાં 2021માં નવા બાળકોના જન્મમાં ઘટાડો થઇ શકે શકે છે. લંડન એસેમ્બલીનાં ઓગસ્ટ 2020માં કરાયેલા સર્વેમાં 4.5 ટકા એટલે કે 416,૦૦૦ લોકોએ જણાવ્યું હતું કે તેઓ આગામી 12 મહિનામાં ચોક્કસપણે શહેરની બહાર નીકળી જશે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે લંડન બરોમાં બેરોજગારી સૌથી ઝડપથી વધી રહી છે અને દેશમાં 300 વર્ષમાં સૌથી વધુ મંદી આવી રહી છે. જોબ પોસ્ટિંગ્સમાં સૌથી વધુ ઘટાડો થયો છે જેમાં હોસ્પીટાલિટી, લેઝર, રિટેલ અને ટ્રાવેલ ખૂબ જ અસરગ્રસ્ત થયા છે.
PwCના અર્થશાસ્ત્રી હેન્ના ઔડિનોએ જણાવ્યું હતું કે લંડનની વસ્તીમાં સતત ઘટાડાથી રાજધાનીની અર્થવ્યવસ્થા, મકાનોના ભાવો અને પરિવહન નેટવર્ક માટે ઘણાં મોટાં પરિણામો આવશે, પરંતુ કોવિડ અને બ્રેક્ઝિટની અસર કેટલા લાંબા સમય સુધી રહેશે તે પણ સવાલ છે.
મેયર સાદિક ખાનના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘’લંડનના મેયરને વિશ્વાસ છે કે કોવિડ કટોકટીથી આ શહેર વધુ મજબૂત બનશે અને પાટનગર સફળ, હરિયાળું અને સુઘડ બનશે.”