લંડનમાં ગટરના સેમ્પલ્સમાં પોલિયોના વાઇરસ મળી આવ્યા હોવાનું યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA) એ જણાવ્યું છે. જો કે પોલિયોના રોગનો ચેપ ફેલાવાનું જોખમ રહેલું છે અને સદનસીબે પોલિયોનો કોઈ કેસ જોવા મળ્યો નથી. 1980 પછી પ્રથમ વખત સંકેત મળ્યા છે કે યુકેમાં પોલિયોનો વાઇરસ ફેલાઈ શકે છે.
યુકેમાં પોલિયો રસીકરણના ઊંચા દરને કારણે વાઇરસ મળ્યા હોવા છતાં એક ટકાથી ઓછી વયના બાળકોમાં લકવો થઇ શકે તેવો ભય છે. એજન્સીએ ખાસ કરીને કોવિડ-19 રોગચાળા દરમિયાન પોલિયોની રસી ચૂકી ગયા હોય તેવા બાળકોના માતાપિતા સહિત દરેકને તેમના બાળકોને પોલિયોની રસી આપવામાં આવી છે કે નહિં તેની ખાતરી કરવા જણાવ્યું છે.
રાષ્ટ્રવ્યાપી પોલિયો રસીકરણનું સ્તર રોગચાળાને રોકવા માટે જરૂરી 90 ટકાથી ઉપર છે, પરંતુ તાજેતરના વર્ષોમાં બે વર્ષથી ઓછી વયના બાળકોમાં લંડનના રસીકરણનો કવરેજ દર તેનાથી નીચે ગયો છે. NHS ઈંગ્લેન્ડ જેમને રસી આપવામાં આવી નથી તેવા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના માતા-પિતાનો સંપર્ક કરવાનું શરૂ કરનાર છે.
પોલિયો, મુખ્યત્વે મળ દ્વારા ફેલાય છે અને તેનાથી વિશ્વભરમાં વાર્ષિક હજારો બાળકોના મરણ થાય છે કે તેઓ લકવાગ્રસ્ત થાય છે. તેનો કોઈ ઈલાજ નથી, પરંતુ રસીકરણે કારણે વિશ્વ પોલિયો મુક્ત થવાની નજીક છે.
UKHSA એ જણાવ્યું હતું કે તે આ વર્ષે, લગભગ ચાર મિલિયન લોકોને સેવા આપતા ઇસ્ટ લંડનના બેકટન ટ્રીટમેન્ટ વર્કસમાંથી ફેબ્રુઆરીમાં અને એપ્રિલમાં પોલિયોના વાઇરસ મળી આવ્યા હતા. UKHSA જણાવે છે કે જ્યારે કોઈ બાળકને વિદેશમાં પોલિયોની રસીના ટીપાં પીવડાવ્યા હોય અને તે બ્રિટન પરત ફરે ત્યારે થોડા સમય માટે તેના મળ દ્વારા વાઇરસ ફેલાય છે. ડર છે કે તે વાઇરસ કદાચ નજીકથી જોડાયેલા લોકો વચ્ચે પણ ફેલાયો હોઇ શકે છે જે રોગનું કારણ બની શકે છે. આ કોમ્યુનિટી ટ્રાન્સમિશનની તપાસ ચાલુ છે. યુકેમાં છેલ્લો પોલિયો કેસ 1984માં નોંધાયો હતો.
- પોલિયોને 2003માં યુકેમાં સત્તાવાર રીતે નાબૂદ કરવામાં આવ્યો હતો.
- મળેલા સેમ્પલ્સમાંનો વાઇરસ ‘રસીથી મેળવેલ’ પોલિયો વાઇરસ ટાઇપ 2 (VDPV2) તરીકે વર્ગીકૃત કરાયો છે. આ વાઇરસ જેમને રસી અપાઇ નથી તેવા લોકોમાં વધુ સરળતાથી ફેલાઈ શકે છે. તે ચેપગ્રસ્ત વ્યક્તિના મળ અથવા ખાંસી અને છીંકના સંપર્કમાં આવવાથી આવે છે.
- UKHSA માને છે કે પોલિયોનો વાઇરસ સંભવતઃ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અથવા નાઇજીરીયાથી 2022 ની શરૂઆતમાં યુકેમાં પ્રવેશ્યો હશે.
- યુકેમાં 6-ઇન-1 રસીના ભાગ રૂપે જ્યારે બાળક 8, 12 અને 16 અઠવાડિયાનું હોય ત્યારે NHS દ્વારા પોલિયોની રસી આપવામાં આવે છે. ફરીથી તે 4-ઇન-1 (DTaP/IPV) પ્રી-સ્કૂલ બૂસ્ટરના ભાગ રૂપે ત્રણ વર્ષ અને ચાર મહિનાની ઉંમરે અને 3-ઇન-1 (Td/IPV) ટીનેજ બૂસ્ટરના ભાગ રૂપે 14 વર્ષની ઉંમરે ફરીથી આપવામાં આવે છે.
- જો બાળકોને બે કે ત્રણ ડોઝ આપવામાં આવ્યા છે તેઓને નોંધપાત્ર રક્ષણ મળશે.
- યુકેમાં બે વર્ષની ઉંમર સુધીમાં, લગભગ 95% બાળકોએ યોગ્ય માત્રામાં ડોઝ લીધા છે. જો કે, લંડનમાં આ પ્રમાણ ઘટીને 90% થી નીચે છે. જ્યારે પ્રી-સ્કૂલ બૂસ્ટર લંડનમાં માત્ર 71% બાળકોને પાંચ વર્ષની ઉંમર સુધીમાં મળેલું છે.
- યુકેમાં 2004થી લાઇવ ઓરલ પોલિયો રસી (OPV) નો ઉપયોગ બંધ કરી કરી ઇનેક્ટીવ પોલિયો વેક્સીન (IPV) આપવાનું શરૂ કર્યું છે.