મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ પ્રસંગે લંડનમાં પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે ભારતીય હાઈ કમિશન દ્વારા સમર્થિત ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગાંધી મેમોરિયલ ઈવેન્ટનું આયોજન તા. 30ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે યુકેના ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, સમુદાયના નેતાઓ, સંસદસભ્યો અને ભારતીય ડાયસ્પોરાના પ્રતિનિધિઓએ પુષ્પાંજલિ અર્પણ કરી મહાત્માના વારસાને પ્રતિબિંબિત કરવા જોડાયા હતા. એક મિનિટના મૌન સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
શ્રી દોરાઈસ્વામીએ સભાને સંબોધતા કહ્યું હતું કે “મહાત્મા ગાંધીને તેમની શહીદીના દિવસે યાદ કરવા તે હંમેશા એક કરુણ ક્ષણ છે. મહાત્મા ગાંધીનો સંદેશ તેમનું જીવન હતું અને તેમનું જીવન તેમનો સંદેશ હતો. તેમણે જે કર્યું છે તે કરવા સક્ષમ બનવું અને તેને રોજિંદા ધોરણે જીવવું એ આપણા બધા માટે પ્રેરણા બનવું જોઈએ.”
ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટના સ્થાપક લોર્ડ મેઘદ દેસાઈએ ચેરિટી ડ્રાઈવની મદદથી પ્રતિમાની સ્થાપના કરવામાં સફળતા મેળવી હતી અને 2015માં લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.
દેસાઈએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે “લંડનનો મહાત્મા માટે વિશેષ અર્થ હતો અને અમારા માટે, તેનો વિશેષ અર્થ એ છે કે તેઓ અહીં પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે સંસદ તરફ જોઈ રહ્યા છે જેના માટે તેમણે આઝાદીની ચળવળ દરમિયાન ઘણી તકલીફો વેઠી હતી. તેમનું સન્માન કરવા અને યાદ કરવા માટે આ એક સરસ જગ્યા છે.”
બ્રિટિશ શીખ એસોસિએશનના સ્થાપક લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે “મહાત્મા ગાંધી માત્ર એક ભારતીય ચિહ્ન જ નહોતા પરંતુ વિશ્વમાં સ્વતંત્રતા, એકતા અને સમાનતાના પ્રતીક તરીકે વૈશ્વિક ચિહ્ન રહ્યા છે.” યુકે સ્થિત બાંગ્લાદેશી હાઈ કમિશનર, સઈદા મુના તસ્નીમે, બંગબંધુ શેખ મુજીબીર રહેમાન પર ગાંધીવાદી પ્રભાવ વિશે વાત કરી હતી.