લંડન સિટી એરપોર્ટે હાઈ-ટેક સ્કેનરનો ઉપયોગ શરૂ કરીને હવે મુસાફરો માટે 100 મીલીલીટર (ml) જેટલું જ પ્રવાહી લઇ જવા દેવાની મર્યાદાને રદ કરી છે. હવેથી મુસાફરો બે લિટર સુધીનું પ્રવાહી, ટોયલેટરીઝ તથા ઈલેક્ટ્રોનિક્સ સાધનસરંજામને હેન્ડ લગેજમાં રાખી શકશે.
ટીસસાઇડ સ્કેનર્સને માર્ચમાં એરપોર્ટ પર રજૂ કર્યા પછી, પોતાની તમામ સુરક્ષા લેનમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર લંડન સિટી એરપોર્ટ યુકેનું બીજું એરપોર્ટ બન્યું છે. યુકેના મોટાભાગના એરપોર્ટ પર આવા મશીનો ઇન્સ્ટોલ કરવા માટે સરકારે જૂન 2024ની સમયમર્યાદા નક્કી કરી છે.
લંડન સિટી એરપોર્ટે C3 સ્કેનર લગાવ્યા છે જે બેગના હાઇ-રિઝોલ્યુશન 3D ફોટો લે છે. હાલમાં યુકેના અન્ય એરપોર્ટ પર મુસાફરોએ સુરક્ષા તપાસ માટે હેન્ડ લગેજમાંથી ટેબલેટ, લેપટોપ અને પ્રવાહી જેવી વસ્તુઓ દૂર કરવી પડે છે.
બ્રિટિશ પોલીસે જણાવ્યું હતું કે તેમણે પીણાંમાં છુપાવેલા વિસ્ફોટકોનો ઉપયોગ કરીને 10 જેટલા વિમાનોને ઉડાવી દેવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યા હતા. લંડન સિટી એરપોર્ટ સુરક્ષાની તપાસ માટે યુકેના તમામ એરપોર્ટમાં પહેલાથી જ સૌથી ઝડપી હતું, સરેરાશ 12 મિનિટનો સમય લાગતો હતો.