લોકસભાની આવનારી ચૂંટણી માટે ગુજરાતમાં આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ઉમેદવારો મામલે સમજૂતી થઇ છે. જે અંતર્ગત ભરુચની બેઠક આપના ઉમેદવાર ચૈતર વસાવાને ફાળવવામાં આવી હતી. આથી ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં નારાજગી વ્યાપી હતી. કારણ કે આ બેઠક માટે એક સમયે જેમના ઈશારે દેશમાં ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થતી હતી તેવા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર સ્વ. અહેમદ પટેલના સંતાનો ટિકિટ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. મુમતાઝ અને ફૈઝલ પટેલનું પત્તુ કપાતા તેમના સમર્થકો નિરાશ થયા હતા.
ભરૂચ બેઠક માટે કોંગ્રેસ તરફે અહેમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલે દાવેદારી કરી હતી, તો બીજી તરફ INDIA ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટિકિટ માગી હતી. આપ દ્વારા અગાઉની ચૂંટણીના આંકડા રજૂ કરી મજબૂત દાવેદારી સાથે ગઠબંધન થાય કે ન થાય ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા હતા. અંતે કોંગ્રેસ તેની માગ સામે ઝૂકી હતી.
હવે આ મુદ્દે ફૈઝલ અને મુમતાઝ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. મુમતાઝે સ્પષ્ટતા કરીકે તેઓ કોંગ્રેસના સૈનિક તરીકે આમ આદમી પાર્ટી માટે વોટ માગશે નહીં. ફૈઝલે કહ્યું કે તે આ નિર્ણયના વિરોધમાં છે અને આ બાબતે શનિવારે સાંજે દિલ્હી જઈને ઉચ્ચ નેતાઓ સમક્ષ કોંગ્રેસની ઉમેદવારી માટે રજુઆત કરશે.
ભરુચમાં કોંગ્રેસ અને આપના ગઠબંધન અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ ધોળા દિવસે સપના જોવે છે. બંને પક્ષના વોટ ભેગા થાય તો પણ ભાજપને મળેલા વોટ કરતા ઓછા છે, માટે ભરૂચ બેઠક આ ગઠબંધન માટે જીતવી અશક્ય છે, ભાજપ તમામ 26 બેઠકો પર જીતશે જ.