લોકસભા ચૂંટણીના પગલે આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ સમજૂતી થઈ ગઈ છે. શનિવારે દિલ્હીમાં બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને બેઠકોની વહેંચણી અંગે માહિતી આપી હતી. AAP તરફથી આતિશી, સંદીપ પાઠક અને સૌરભ ભારદ્વાજ, કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલી ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે કહ્યું કે ઈન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે સીટ વહેંચણી અંગે ચર્ચા થઈ રહી છે. બે દિવસ પહેલા લખનૌમાં સપા-કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી.
મુકુલ વાસનિકે કહ્યું હતું કે, AAP અને કોંગ્રેસ ગુજરાત, દિલ્હી, હરિયાણા, ગોવા અને ચંદીગઢમાં ગઠબંધન કરીને ચૂંટણી લડશે. આમઆદમી પાર્ટી દિલ્હીમાં 4 સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસે ચાંદની ચોક સહિત 3 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસ ચંદીગઢ લોકસભા સીટ અને ગોવાની બંને સીટ પર ઉમેદવારો ઊભા રાખશે. હરિયાણામાં કોંગ્રેસ નવ સીટો પર અને આમઆદમી પાર્ટી એક સીટ પર ચૂંટણી લડશે. ગુજરાતમાં આમઆદમી પાર્ટી બે અને કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકસભાની 26, હરિયાણામાં 10, દિલ્હીમાં 7, ગોવામાં 2 અને ચંદીગઢમાં એક સીટ છે.
ગુજરાતમાં આમઆદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે હરિયાણામાં તે કુરુક્ષેત્ર લોકસભા સીટ પરથી પોતાનો ઉમેદવાર ઉતારશે. મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે ભારતીય લોકતંત્રની સામે હાલમાં જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તેનો સામનો કરવા માટે AAP-કોંગ્રેસે સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે અમે પોતપોતાના પ્રતીકો પર ચૂંટણી લડીશું, પરંતુ એક થઈને લડીશું અને ભાજપને હરાવીશું. જોકે, બંને પક્ષોએ પંજાબને અંગે કોઈ માહિતી આપી નથી, જેના પછી સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી ત્યાં પોતાની રીતે ચૂંટણી લડશે.

LEAVE A REPLY