Lok Sabha Election 2024: Efforts of Leaders to Bring Unity in Opposition

ભારતમાં ભાજપ વિરોધી જુદા જુદા પક્ષોએ આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે એકતા સાધવાનો પ્રયાસ કર્યો છે. આ સંદર્ભમાં બુધવારે કોંગ્રેસ, જેડી(યુ) અને આરજેડીના ટોચના નેતાઓએ નવી દિલ્હીમાં બેઠક યોજી હતી. બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર, તેમના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ, કોંગ્રેસ પ્રેસિડેન્ટ મલ્લિકાર્જૂન ખડગે અને રાહુલ ગાંધીને મળ્યા હતા. રાહુલ ગાંધીએ આ પહેલને “ઐતિહાસિક” ગણાવી હતી. નીતિશકુમારે જણાવ્યું હતું કે ભાજપ વિરુદ્ધ દેશમાં વધુને વધુ પક્ષોને એકજૂથ કરવા માટે તેઓ તમામ પ્રયાસો કરશે. આ બેઠકનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે કેટલાક પ્રાદેશિક સંગઠનો વચ્ચે મતભેદો હોવા છતાં વિપક્ષી એકતા બનાવવા માટેનું આ પહેલું મોટું પગલું છે.

વિપક્ષી એકતાના પ્રયાસોને આગળ વધારવા માટે નેતાઓએ ભાર મૂક્યો હતો કે તેઓએ તેમના મતભેદોને છોડીને ભાજપને હરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું અને નેતૃત્વનો મુદ્દોનો ચૂંટણી પછી નિર્ણય કરવો. પરંતુ આ નેતાઓએ નેતૃત્વના મુદ્દાના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું. ખડગેએ મીડિયાને જણાવ્યું હતું કે વિપક્ષો સાથે મળીને બંધારણ અને લોકશાહીનું રક્ષણ કરશે અને એકજૂથ થઈ દેશને નવી દિશા આપશે. વિપક્ષ આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી સહિત તમામ આગામી ચૂંટણીઓ લડવા માટે એકજૂથ થશે.

નેતાઓએ ખડગેના નિવાસસ્થાને લંચ પણ લીધું હતું, જ્યાં જેડીયુ પ્રમુખ લલન સિંહ, બિહાર કોંગ્રેસના વડા અખિલેશ પ્રસાદ સિંહ, કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ અને આરજેડી નેતા મનોજ ઝા પણ હાજર હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના વડા આગામી દિવસોમા વિરોધ પક્ષોના વિવિધ નેતાઓને મળશે. વિપક્ષે ભાજપને સત્તા પરથી દૂર કરવા માટે એક કોમન ઉમેદવાર નક્કી કરવાની યોજના બનાવી છે, પરંતુ કેટલાંક પક્ષોએ તેની સામે વાંધો વ્યક્ત કર્યો છે. કેટલાંક પ્રાદેશિક પક્ષો મહત્તમ બેઠક લડવા માગે છે અને કોંગ્રેસ 200 બેઠકોથી સંતોષ માનવા તૈયાર નથી.

આ પ્રયાસમાં નીતિશકુમાર અને તેજસ્વી યાદવ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને પણ તેમને નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠક પછી કેજરીવાલે વિપક્ષી દળોને એકસાથે લાવવાના નીતિશ કુમારના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તેમના સમર્થનનું વચન આપ્યું હતું.

LEAVE A REPLY