લેસ્ટર ઇસ્ટ વિસ્તારમાં અસંખ્ય ઘરફોડ ચોરીઓ થઈ રહી છે ત્યારે લોહાણા મહાજન લેસ્ટર દ્વારા પોતાના સભ્યોને ચોરીઓના બનાવો રોકવા માટે કેટલાક સલાહ-સૂચનો કરાયા છે.
લોહાણા મહાજન લેસ્ટર દ્વારા જણાવાયું છે કે ‘’ઘરફોડ ચોરી માત્ર રાત્રે જ નહિં દિવસ દરમિયાન પણ થાય છે. આથી તમે ઘરમાં કે જે તે રૂમમાં ન હો ત્યારે ઘરના તમામ બારીઓ કે દરવાજા બંધ રાખવા જોઇએ. બારી કે દરવાજો બળજબરીથી ખોલવાનો અથવા કાચ તોડવાનો અવાજ સંભળાય તો તમને જાણ થાય છે અને તમે જરૂરી પગલા લઇ શકો છો.’’
‘’આપની કારની ચાવીઓ, પાકીટ અને હેન્ડબેગ્સ જેવી કિંમતી વસ્તુઓ તમે સૂવા જાવ ત્યારે તમારી સાથે લઈ જાવ તે જરૂરી છે. જો સોના-ચાંદીની જ્વેલરી, વોચ કે કોઈ કિંમતી ચીજવસ્તુઓ હોય અને તે તમે નિયમિતપણે પહેરતા ન હો તો તેને બેંક અથવા સેફ ડિપોઝિટ બોક્સ સેન્ટરમાં રાખવા જરૂરી છે.
જો ઘરમાં સેફ્ટી માટે એલાર્મ લગાવ્યું હોય તો તમે ધરની બહાર જાવ કે રાત્રે સુઇ જાવ ત્યારે એલાર્મ ચાલુ કરવું જરૂરી છે. તમારા ઘરના અગળ અને પાછળ સેન્સર ઓપરેટેડ લાઇટ હોય તો તમે ઘરને બચાવી શકો છો. લાઇટ બીલ બચાવવા સોલાર લાઇટ લગાવી શકાય છે. જો તમને કશું પણ શંકાસ્પદ લાગે કે કોઇ બારી કે દરવાજા તોડવાનો અવાજ આવે તો બારીમાંથી બહાર જુઓ, તપાસ કરો અને પોલીસને 999 પર જાણ કરો.’’