લોજિસ્ટિક ઇન્ડેક્સ ચાર્ટમાં ગુજરાતે દેશમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, તેમ વાણિજય મંત્રાલય દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. આ ઇન્ડેક્સ નિકાસ અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે જરૂરી લોજિસ્ટિક સેવાઓેની કુશળતાના સંકેત છે. ગુજરાત દેશના ૨૧ રાજ્યોની યાદીમાં પ્રથમ સ્થાને છે.
ગુજરાત પછી આ યાદીમાં અનુક્રમે હરિયાણા, પંજાબ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર આવે છે. આ યાદીમાં મહારાષ્ટ્ર પાંચમા ક્રમે, ઉત્તર પ્રદેશ છઠ્ઠા, ઓડિશા સાતમા, કર્ણાટક આઠમા, આંધ્ર પ્રદેશ નવમા અને તેલંગણા દસમાં ક્રમે છે.
વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલે સોમવારે ત્રીજા લિડ્સ (લોજિસ્ટિક્સ ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ), ૨૦૨૧નો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલ સમસ્યાવાળા ક્ષેત્રોની ઓળખ કરવા અને તેના ઉકેલ માટે નીતિગત પ્રક્રિયા કરવામાં મદદ મળશે.
આ ઇન્ડેકસનો ઉદ્દેશ રાજ્યોમાં લોજિસ્ટિક સંબધી દેખાવોમાં સુધારો કરવાનો છે. જે દેશના વેપારમાં સુધારા અને લેવડદેવડના ખર્ચને દૂર કરવા માટે જરૂરી છે. પ્રથમ લોજિસ્ટિક અહેવાલ ૨૦૧૮માં જારી કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે કોરોના મહામારીને કારણે આ યાદી જાહેર કરવામાં આવી ન હતી. આ યાદીમાં પશ્ચિમ બંગાળ ૧૫મા, રાજસ્થાન ૧૬મા, મધ્યપ્રદેશ ૧૭મા, ગોવા ૧૮મા, બિહાર ૧૯મા, હિમાચલ પ્રદેશ ૨૦મા અને આસામમાં ૨૧મા ક્રમે છે.