એક તરફ સમગ્ર વિશ્વમાં લોકોને કોરોના વાયરસના પ્રકોપથી બચાવવા સોશિયલ ડિસ્ટેન્સિંગ અને લોકડાઉનનો સહારો લેવાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ કેટલાક લોકો હજુ પણ આ મહામારીની ગંભીરતા સમજવા માટે તૈયાર નથી જણાતા.
અમેરિકાના મિશિગન રાજ્યમાં બુધવારે આ પ્રકારની જ એક ગંભીર ઘટના બની હતી. મિશિગનના રાજ્યપાલ ગ્રેચેન વ્હિમરે લોકોને ઘરમાં રહેવા અને વેપાર-ધંધા બંધ રાખવાનો આદેશ આપ્યો હતો ત્યારે તેના વિરોધમાં લોકો રસ્તાઓ પર ઉતરીને પ્રદર્શન કરવા લાગ્યા હતા.
પ્રદર્શનકારીઓ હાથમાં ‘ગવર્નર વ્હિમર અમે કેદી નથી’, ‘મિશિગનના લોકો ગ્રેચેનના ખરાબ વલણની વિરૂદ્ધ છે’ વગેરે લખેલા પોસ્ટર લઈને રસ્તાઓ પર ઉતર્યા હતા. પ્રદર્શનના થોડા કલાકો બાદ વ્હિમરે રેલીના લીધેલ લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. મિશિગન કંઝર્વેટિવ કોલિશન દ્વારા ‘ઓપરેશન ગ્રિડલોક’ નામના આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંગઠનના સદસ્ય મેશો મૈડોકે રાજ્યપાલના નિર્ણયના વિરોધમાં “વેપારો બંધ કરવાનો, તમામ કર્મચારીઓને કામથી બહાર કરવાનો નિર્ણય આપત્તિ છે. મિશિગનના લોકો માટે તે એક આર્થિક મુશ્કેલી છે. લોકો તેનાથી થાકી ગયા છે.” તે અર્થનું નિવેદન આપ્યું હતું.
ડેમોક્રેટ નેતા વ્હિમરે 30મી એપ્રિલ સુધી લોકોને ઘરમાં રહેવાનો અને શાળાઓ ઉપરાંત બિનજરૂરી ધંધાઓ બંધ રાખવાનો આદેશ આપેલો હતો.કોરોના વાયરસના લીધે મિશિગનમાં 1,900થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને રાજ્યપાલના કહેવા પ્રમાણે તેઓ લોકોની મુશ્કેલી સમજે છે પરંતુ આ પ્રતિબંધ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા ખૂબ જરૂરી છે.