આગામી થોડા વીકમાં કોરોનાવાઈરસના કેસોના દર ઝડપથી ઘટશે તો એપ્રિલથી ઇસ્ટરની રજાઓ માટે એક જ પરિવારમાં રહેતા લોકોને સેલ્ફકેટરીંગ ધરાવતા હોલીડેઝ માટે મંજૂરી આપવાની, આઉટડોર એક્સરસાઇઝ અને સોશ્યલાઇઝિંગ પરની મર્યાદા દૂર કરવાની, બિન-આવશ્યક રીટેઈલ શોપ ફરી શરૂ કરવાની અને પબ્સ તથા રેસ્ટૉરન્ટ્સ શરૂ કરવાની છૂટ મળી શકે છે. જો કે તા. 8 માર્ચથી તમામ શાળાઓ ફરીથી શરૂ થાય તેવી હાલને તબક્કે કોઇ યોજના નથી. બધા ડેટા અને વેક્સિનેશનની અસરો ચકાસ્યા પછી જ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો ફરીથી ખોલવા માટે વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી તા. 22ને સોમવારના રોજ જાહેરાત કરવાના છે. વડાપ્રધાન જોન્સને જણાવ્યું હતું કે તેઓ લોકડાઉન હટાવવામાં સરળતા સાથે સાવચેતીભર્યો અભિગમ દાખવવા માંગે છે અને જે પણ પગલાં લે તે પાછા ખેંચવા ન પડે તેની કાળજી રાખવા માંગે છે. આ બધા માટે ચેપનો દર વધુ નીચે આવે તે જરૂરી છે.
સરકાર અન્ય પ્રતિબંધો હટાવતા પહેલા રોગચાળા અને રસીકરણના ડેટાના મૂલ્યાંકન માટે આગામી પખવાડિયા સુધીનો સમય લેશે અને પછી આઉટડોર એક્સરસાઇઝ અને સોશ્યલાઇઝિંગ પરની મર્યાદા આવતા મહિનાના અંતમાં હળવી થવાની અપેક્ષા છે. ત્યારબાદ બિન-આવશ્યક રીટેઈલર્સને બિઝનેસ ફરી શરૂ કરવા દેવાશે અને બ્રિટનમાં રજાઓ પરના પ્રતિબંધો શક્ય એટલા સરળ બનાવાશે. પબ્સ અને રેસ્ટૉરન્ટ્સ એપ્રિલ પછી શરૂ કરવાની છૂટ મળી શકે છે. ઇન્ડોર હોસ્પિટાલીટી ક્ષેત્ર મે મહિનામાં ખુલશે, જો કે તેમાં ઓગસ્ટ સુધી વિલંબ થઈ શકે છે. સરકાર આવતા મહિને બહારના સ્થળે દાદા-દાદીને તેમના પૌત્રો સાથે ફરી જોડાવાની મંજૂરી આપવાની યોજનાઓ પર વિચાર કરી રહી છે.હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે જણાવ્યું હતું કે રસી કાર્યક્રમની સફળતા, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા દર્દીઓમાં ઘટાડો, મૃત્યુ દરમાં ઘટાડો અને નવા વેરિયન્ટનો ફેલાવો નિયંત્રિત કરવા માટેના ચાર માપદંડ લોકડાઉન કે પ્રતિબંધો ક્યારે ઉઠાવી શકાય તે નક્કી કરવા માટે મદદ કરશે. વડા પ્રધાને પુષ્ટિ આપી હતી કે તેઓ આ ચાર માપદંડોને આધારે સોમવાર તા. 22 ફેબ્રુઆરીએ પ્રતિબંધો સમાપ્ત કરવા માટેની માર્ગદર્શિકા તૈયાર કરશે.
બ્રિટનમાં દૈનિક કેસનો દર ગત પાનખરમાં લોકડાઉન સમાપ્ત થયું હતું તેટલા સ્તરે નીચે ગયો છે. પરંતુ જોન્સને લોકોને રજા બુક કરાવવા માટે રાહ જોવા વિનંતી કરી હતી. તેમણે ચેતવણી આપી છે લોકોને ખૂબ જલ્દીથી સેલ્ફ કેટરીંગ હોલીડેઝ કરવા દેવાશે તો દેશભરમાં “મોટી હિલચાલ”થી ચેપના દરમાં વધારો થઈ શકે છે અને તેથી વાઈરસ નબળા લોકો સુધી પહોંચવાનું જોખમ વધારે છે. વળી કોઈ રસીકરણ કાર્યક્રમ 100 ટકા અસરકારક નથી હોતો જેથી નબળા લોકો સહન કરે છે.
જો કે 8 માર્ચથી લોકડાઉન પ્રતિબંધો હળવો કરવા અંગે સરકાર અને વૈજ્ઞાનિકો આશાવાદી છે. સાઉથ ઇસ્ટ લંડનમાં રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમિયાન બોલતા જોન્સને કહ્યું હતું કે “અમને આશા છે કે આપણે વહેલી તકે કંઇક કરી શકીશું.’’ 15 મિલિયનથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે જણાવ્યું હતું કે 50 વર્ષથી વધુ ઉંમરના દરેકને એપ્રિલના અંત સુધીમાં રસીનો ડોઝ આપવામાં આવશે. જે લોકોએ પહેલા રસીનો ડોઝ મેળવ્યો છે તેમને માટે બીજા ડોઝનું શેડ્યૂલ નક્કી છે અને રસીના વિતરણની ગતિ નોંધપાત્ર રીતે ધીમી નહીં થાય. જોન્સન પર ટોરી સાંસદોનું દબાણ છે કે 50થી વધુ વયના અને અન્ય જોખમ ધરાવતા જૂથોને રસી આપી દીધા પછી બને એટલું જલ્દીથી પ્રતિબંધ હટાવવા. ત્યાં સુધીમાં આગામી પાંચ જૂથોના અંદાજિત 17 મિલિયન લોકોને રસી આપવાનું સરકારનું લક્ષ્ય છે.
યુકેમાં સોમવાર તા. 15ના રોજ 9,765 નવા પોઝિટિવ કોરોનાવાયરસ કેસ નોંધાયા હતા જે 2 ઑક્ટોબરના રોજ નોંધાયેલા દૈનિક આંક 10,000 કરતા નીચે રહ્યા છે. જ્યારે 230 લોકોના મરણ થયા હતા. દેશનો કુલ મૃત્યુઆંક 117,396 થયો છે. યુકેમાં છેલ્લા 7 દિવસમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં 29 ટકાનો એટલે કે 35,941નો અને મરણની સંખ્યામાં 26.2 ટકા એટલે 1,636નો ઘટાડો થયો છે. રોજના નવા દર્દીઓના દાખલ થવાના પ્રમાણમાં પણ 25.5 ટકાનો એટલે કે 4,362નો ઘટાડો થયો છે. યુકેના કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 4 મિલિયન થઇ છે.
તા. 15ના રોજ 237,962 લોકોને અને અત્યાર સુઘીમાં કુલ 15.3 મિલિયન લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે 539,630 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચૂક્યો છે. દેશની વસ્તીના કુલ 22.9 ટકા લોકોને રસી અપાઇ ચૂકી છે. રસી મેળવનારા 12 મિલિયન લોકોને આપવામાં આવેલા પ્રથમ ડોઝની અસર દર્શાવતા પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના મહત્વના ડેટાની સરકાર રાહ જોઈ રહી છે.
વેક્સિન મિનિસ્ટર ઝહાવીએ જણાવ્યું હતું કે ‘’ટ્રાન્સમિશન ઘટાડવામાં રસીની અસરકારકતા અંગે અનુમાન લગાવવું ખૂબ જ વહેલું છે. ઇંગ્લેન્ડમાં જાહેર પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે ઝડપી કોવિડ ટેસ્ટીંગ પર અને પ્રતિબંધો હળવા કરવા માટે ડેટને બદલે ડેટા ઉપરા આધાર રખાશે. રમત-ગમત અને મનોરંજનના સ્થળો ફરી શરૂ કરવા માટે ઝડપી ટેસ્ટીંગ તેમ જ સામૂહિક રસીકરણ કેન્દ્રિય હોઇ શકે છે. કોરોનાવાઈરસના ટ્રાન્સમિશન પર રસીના પ્રભાવ અંગેના પ્રાથમિક પુરાવા પ્રોત્સાહક રહ્યા છે અને અન્ય સંશોધન સારા સંકેતો દર્શાવે છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ, મૃત્યુ અને ટ્રાન્સમિશન પર થતી રસીની અસરનો અભ્યાસ કરી રહ્યુ છે.’’