સામાજિક અંતર અને લોકડાઉનનાં નિયમોનો ભંગ કરી પાર્ટી કરનાર લૂટનના મેયર મેયર તાહિર મલિક, કાઉન્સિલર વહીદ અકબર અને કાઉન્સિલર આસિફ મહમૂદે માફી માંગી છે. બીજી તરફ લેબરે જણાવ્યું હતું કે “લેબર પાર્ટી પ્રાપ્ત થયેલી તમામ ફરિયાદોની તપાસ કરે છે અને જ્યાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે, ત્યાં લેબર પાર્ટીની પ્રક્રિયાઓને અનુરૂપ પગલા લેવામાં આવશે.” લેબર પાર્ટી આ અંગે તપાસ કરી રહી છે.
તેમણે એક વિશાળ મેળાવડામાં હાજરી આપી હતી જ્યાં સામાજિક અંતરનું પાલન કરવામાં આવતું ન હતું, અને ચહેરા પર માસ્ક પહેર્યા ન હતા. આ ઘટનાની તસવીરો ફેસબુક પર શેર કરાયા બાદ આક્રોશ પેદા થયો હતો. કોવિડ -19 કેસોમાં ઉછાળા બાદ લુટનમાં હાલમાં સરકાર દ્વારા હસ્તક્ષેપ કરાઇ રહ્યો છે.
મીડિયાને આપેલા નિવેદનમાં, ત્રણેય કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે “અમે લોકડાઉન નિયમોના ભંગ બદલ લુટનની જનતાની માફી માંગીએ છીએ. અમે સરકારના માર્ગદર્શિકા મુજબનો નાની પાર્ટી હશે તેમ માની ભાગ લીધો હતો. પરંતુ અતિરિક્ત મહેમાનો આવતા નિયમોનો ભંગ થયો હતો. માર્ગદર્શિકાનું પાલન કરવાની અમારી તમામ જવાબદારી છે. અમને દુ:ખ છે કે અમે જે ધોરણોની અમારી પાસેથી અપેક્ષા રખાતી હતી તે પ્રમાણે કરી શક્યા નહતા.”