ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઑફિસર ક્રિસ વ્હીટી અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વૉલેન્સે તા. 7 જૂનના રોજ કેબિનેટ મિનિસ્ટરો સમક્ષ કોરોનાવાઇરસ રોગચાળાની સ્થિતી “એકદમ વિકરાળ” હોવાનું વર્ણન કરતાં લોકડાઉનને સરળ કરવા માટેના બ્રિટનના રોડમેપમાં એક પખવાડિયાનો વિલંબ થઈ શકે છે. તેમની “ડાઉનબીટ” કરતી બ્રીફિંગ પછી કેબિનેટ મિનિસ્ટરો વધુ નિરાશાવાદી થયા છે.
બીજી તરફ વડા પ્રધાનના પ્રવક્તાએ કહ્યું હતું કે 21 જૂનથી પ્રતિબંધો હળવા ન થઇ શકે તેવું સૂચવવા માટે “ડેટામાં કશું જ નથી”. સરકાર કેસની સંખ્યા અને હોસ્પિટલમાં દાખલ થતા લોકોની સંખ્યા પર નજર રાખશે. સરકારની સોશ્યલ ડિસ્ટન્સીંગની સમીક્ષા પ્રકાશિત કરવામાં આવે ત્યારે જોન્સન સોમવારે આ અંગેની ઔપચારિક જાહેરાત કરશે તેવી અપેક્ષા છે.
21 જૂનથી સરકાર સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમો સમાપ્ત કરવાની આશા રાખે છે. એટલે કે પબ અને રેસ્ટૉરન્ટ જેવા સ્થળોએ હવે એક મીટરથી વધુ અંતર રાખવુ નહીં પડે. ઇન્ડોર મેળાવડા માટે છથી વધુ વ્યક્તિઓને અને નાઈટક્લબ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. લગ્ન સહિતના કાર્યક્રમોની 30 વ્યક્તિની મર્યાદા હટાવી લેવાશે.
લોકડાઉન ઉઠાવવાના વિલંબથી તમામ 50થી વધુ વયના લોકોને રસીના બન્ને ડોઝ આપવામાં સક્ષમ થવાશે અને પ્રતિબંધો હટાવતા પહેલા રસીની અસર થવા માટે પૂરતો સમય રહેશે.
બન્ને અગ્રણીઓ, વ્હીટી અને વૉલેન્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’આ રસી 100 ટકા સુરક્ષા પૂરી પાડતી નથી અને નવા વેરિયન્ટ્સની ટ્રાન્સમિસિબિલિટી વિશે વાસ્તવિક ચિંતાઓ છે. રસીકરણે 100 ટકા રક્ષણ પૂરું પાડ્યું નથી અને બ્રિટનના લાખો લોકો વેક્સીન વગરના છે ત્યારે લોકડાઉન ઉઠાવી લેવું જોખમી છે. “મને લાગે છે કે તમારે બે અઠવાડિયાથી એક મહિના સુધી રાહ જોવી પડશે, ત્યાં સુધી શાળાઓમાં રજાઓ પણ પડશે. મને નથી લાગતું કે રાજકીય નુકસાન ખૂબ મોટું થશે.” તેમણે ભારતીય ડેલ્ટા વેરિયન્ટ જેવા કોરોનાવાયરસના નવા વેરિયન્ટના સંક્રમણના દર અંગેની ચિંતાઓ પર ભાર મૂક્યો હતો.
કેબિનેટના એક સુત્રએ કહ્યું હતું કે, મેસેજિંગમાં કોઈપણ “મૂંઝવણ” ટાળવા માટે લૉકડાઉન પ્રતિબંધોને આંશિક રીતે ઉપાડવા કરતાં વિલંબ થવું સારૂ છે. બ્રિટનમાં ડેલ્ટા વેરિયન્ટના 12,383 કેસો પૈકી 126 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાંના 83 દર્દીઓએ રસી લીધી નહોતી, 28ને એક માત્રા મળી હતી અને ત્રણ જણાને બંને ડોઝ મળ્યાં હતાં. યુકેમાં તા. 7ના રોજ 5,683 કોરોનાવાયરસ કેસ નોંધાયા હતા, જેમાં એક અઠવાડિયામાં 68 ટકાનો વધારો થયો હતો. કોવિડને કારણે એકનું મોત નિપજ્યું હતું.
હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે કહ્યું હતું કે ‘’લોકડાઉન પ્રતિબંધા પાછા આવશે કે નહીં તે કહેવું બહુ વહેલું છે પરંતુ એક દિવસ જલ્દીથી આઝાદી પાછી આવશે. આપણે સલામત રીતે આગળ વધવું જોઈએ. વડા પ્રધાને રોડમેપ બનાવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે તેઓ સાવધ રહે અને નિયમને પાછો બદલવો ન પડે તેવું બને. હું આશા રાખું છું કે અમે સારી રીતે રાખી શકીશું. ઇંગ્લેન્ડમાં 25થી વધુ વયના લોકોને રસી મેળવવા માટે આમંત્રિત કરવામાં આવશે.”
ડાઉનિંગ સ્ટ્રીટ સ્થિત વડા પ્રધાનના પ્રવક્તાએ કહ્યું હતું કે, 21 જૂનના રોજ ઇંગ્લેન્ડના નિયંત્રણો હટાવવામાં આવશે કે કેમ તેનો નિર્ણય લેવામાં આગામી સપ્તાહમાં બહાર આવનાર ડેટા “નિર્ણાયક” રહેશે. સ્ટેપ ફોર સૂચવવા માટે ડેટામાં એવું કશું જ નથી જેનાથી આગળ વધી શકશે નહીં. પરંતુ આપણે આ આગામી સપ્તાહના ડેટાને ખૂબ નજીકથી જોવાની જરૂર છે, જે નિર્ણાયક બનશે, ખાસ કરીને હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા.”