જર્નલ ઑફ એપિડેમિઓલોજી અને કોમ્યુનિટિ હેલ્થમાં પ્રકાશિત થયેલા અને ગ્લાસગોની ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એન્ડ વેલબીઇંગના નેતૃત્વ હેઠળ કરાયેલા નવા સંશોધન મુજબ યુકેના કોરોનાવાયરસ ‘લોકડાઉન’ દરમિયાન આલ્કોહોલનો વપરાશ લોકોમાં વધતો જાય છે પરંતુ લોકો દ્વારા ધૂમ્રપાનને નકારવામાં આવ્યું છે. સપ્તાહમાં ચાર કે તેથી વધુ વખત દારૂ પીવાના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે.
રીસર્ચર જણાવે છે કે વાયરસ સામે લડવા માટે રચાયેલ લોકડાઉન દરમિયાન આરોગ્ય પર થતી વિપરીત અસરોને ઘટાડવા માટે અસરકારક પગલાં લેવાની જરૂર છે. 27,000થી વધુ વ્યક્તિઓના ડેટાના આધારે જાણવા મળ્યું છે કે તાળાબંધીના પહેલા મહિનામાં માનસિક તકલીફો નોંધપાત્ર રીતે વધી છે, ખાસ કરીને મહિલાઓ અને નાના બાળકો પર પ્રતિકૂળ અસર પડી હતી. સપ્તાહમાં ચાર કે તેથી વધુ વખત દારૂ પીવાનું પ્રમાણ 2017-19માં 13.7% હતું તે વધીને લોકડાઉન દરમિયાન 22.0% થઈ ગયું છે. આજ સમયગાળા દરમિયાન બિંજ ડ્રીન્કીંગનું પ્રમાણ 10.8% હતું તે વધીને 16.2 ટકા થઇ ગયું હતું. તેમાં પણ બિંજ ડ્રીન્કીંગનું પ્રમાણ 25 અને તેથી વધુ વયના લોકોમાં, સ્ત્રીઓ, શ્વેત વંશીય જૂથો અને ડિગ્રી-સ્તરનું શિક્ષણ ધરાવતા લોકોમાં વધ્યું છે.
લૉકડાઉન દરમિયાન સિગારેટ પીવાનું પ્રમાણ પણ ઘટી ગયું અને તેમાં પણ મોટા ભાગે નાના વય જૂથના લોકોમાં અને પુરુષોમાં. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માનસિક ત્રાસનું પ્રમાણ 2017-19માં 19.4% હતું તે વધીને એપ્રિલ-2020માં લોકડાઉન દરમિયાન 30.6% થઈ ગયું હતું. 45 વર્ષથી ઓછી વયના લોકોમાં માનસિક તકલીફમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો હતો; અને તે પણ સ્ત્રીઓમાં ખાસ. અગાઉ જે પ્રમાણ 23% હતું તે વધીને 36.8% થઈ ગયું હતું. એશિયન લઘુમતી વંશીય જૂથોએ આ સમયગાળા દરમિયાન 18.7%થી વધીને 34.9% સુધી માનસિક ત્રાસમાં વધારો અનુભવ્યો હતો.