ગુજરાતમાં કોરોનાના કેસો દૈનિક કેસ 5,000થી નીચે આવી ગયા બાદ ગુરુવારે રાજ્ય સરકારે કોરોના નિયંત્રણોમાં આંશિક રાહત આપી હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 21થી 27 મે સુધી વેપાર-ધંધાને છૂટ આપવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં 21મેથી નિયંત્રણો ધરાવતા 36 શહેરોમાં સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. મુખ્યપ્રધાને પીપાવાવમાં આ જાહેરાત કરી હતી.
જોકે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો છે, તેમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણોની સમય મર્યાદા 18 મેએ પૂરી થતી હતી, પરંતુ રાજ્યમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાના કારણે તેને 21 મે સવારે છ વાગ્યા સુધી લંબાવવામાં આવ્યા હતા.
સરકારની રાહતને પગલે સવારે નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી પાનના ગલ્લા, ચાની કિટલી, હેર સલૂન, હાર્ડવેરની દુકાનો, ઇલેક્ટ્રોનિક્સની દુકાનો, રેડીમેડ કપડાની દુકાનો, વાસણની દુકાનો,મોબાઇલની દુકાનો, હોલસેલ માર્કેટ, પંચરની દુકાન, ગેરેજ ચાલુ રહી શકશે. જોકે શૈક્ષણિક સંસ્થા, ટ્યુશન ક્લાસિસ, થિયેટરો, ઓડીટોરીયમ. એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બગીચા, મનોરંજનના સ્થળો, જીમ, સ્વિમિંગ પુલ, મોલ્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ પર પ્રતિબંધ યથાવત રહેશે.
છેલ્લા ઘણા સમયથી નાના વેપારીઓ તરફથી માંગ કરવામાં આવી રહી હતી કે તેમને વેપાર-ધંધા કરવામાં થોડી છૂટ આપવામાં આવે. પરંતુ કોરોનાના કહેરને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે તેમાં કોઈ છૂટ આપી ન હતી. હવે જ્યારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે અને કેસ તથા મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે વેપાર-ધંધા માટે છૂટ આપવાનો નિર્ણય લીધો છે.