ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના લોકોને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો કે લોકોએ વોકલ ફોર લોકલની સાથે લોકલ ફોર દિવાળીને પ્રોત્સાહન આપવું જોઇએ અને આ ઉત્સવોની સિઝનમાં લોકલ પ્રોડક્ટ્સની ખરીદી કરવી જોઇએ.
લોકોને દિવાળીની શુભકામના આપતા વિડિયો મેસેજમાં મોદીએ કહ્યું હતું કે, આ વખતે ખરીદી કરતી વખતે વોકલ ફોર લોકલનો મંત્ર ભૂલવાનો નથી. આપણે દેશને આગળ વધારવાનો છે અને આ માટે દેશના તમામ નાના વેપારીઓ, કારીગરો, કલાકારો અને ગામડાની બહેનોને પણ તક આપવાની છે. જેથી તમામના મનમાં વોકલ ફોર લોકલનો ભાવ પેદા થવો જોઈએ.
તેમણે વિડિયો મેસેજમાં કહ્યુ હતુ કે, વોકલ ફોર લોકલનો મતલબ એટલો જ નથી કે માત્ર માટીમાંથી બનેલા દિવડા ખરીદવા, એવુ નહીં પણ દરેક વસ્તુની ખરીદીમાં લોકલ પ્રોડક્ટસને પ્રાધાન્ય આપજો. આપણે ત્યાં સ્થાનિક લોકો અનેક પ્રકારની વસ્તુઓ બનાવે છે. તેમની પાસેથી ખરીદી કરીને ગર્વથી કહી શકો છો કે, આ અમારા દેશમાં બનેલી વસ્તુઓ છે. વોકલ ફોર લોકલના મંત્ર સાથે કોઈ સમાધાન કરજો નહી, આ મંત્ર આપણા જીવનનો મંત્ર છે.